બર્લિનમાં છવાઈ સુશાંત-અભિષેકની કાઇ પો છે
મુંબઈ, 13 ફેબ્રુઆરી : મોસ્ટ અવેટેડ કાઇ પો છે ફિલ્મનું પ્રદર્શન 63માં બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં આજે કરાયું છે. તેના માટે એડવાંસ બુકિંગ ધડાકાભેર ચાલુ છે. આ વાતથી ખુશ ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રૉય કપૂરે જણાવ્યું છે કે તેમને પુરતી આશા છે કે કાઇ પો છે લોકોને જરૂર ગમશે. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ ગત 7મી ફેબ્રુઆરીએ શરૂ થયું છે. ફિલ્મનો ઇંતેજાર એટલા માટે પણ થઈ રહ્યો હતો, કારણ કે આ ફિલ્મ જાણીતા લેખક ચેતન ભગતની પ્રસિદ્ધ નવલકથા ધ થ્રી મિસ્ટેક્સ ઑફ માય લાઇફ પર આધારિત છે.
કાઇ પો છે ફિલ્મ બર્લિન મહોત્સવમાં પ્રદર્શિત કરાયા બાદ જ થિયેટરમાં રિલીઝ કરાશે. આ માહિતી અભિષેક કપૂરે ટ્વિટર ઉપર આપી હતી. અભિષેક અભિનયમાં ફેલ થતાં ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યાં છે. આર્યન તથા રૉક ઑન પછી તેમની આ ત્રીજી ફિલ્મ છે.
કાઇ પો છે ફિલ્મ દ્વારા ટીવી કલાકાર સુશાંત સિંહ રાજપૂત પણ મોટા પડદે પ્રવેશ કરી રહ્યાં છે. તેમની સાથે રાજ કુમાર યાદવ તેમજ અમિત છે. ફિલ્મ ભારતમાં 22મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે.