હવે પ્રિયંકામાં મૅરી કોમ, તો અક્ષયમાં જીવી ઉઠશે દારા!
મુંબઈ, 29 જુલાઈ : ફરહાન અખ્તર વડે દોડવીર મિલ્ખા સિંહ મોટા પડદે જીવંત થઈ ઉઠ્યાં. ભાગ મિલ્ખા ભાગ ફિલ્મમાં ભારતીય એથલીટ મિલ્ખા સિંહના જીવનને જીવંત કર્યા બાદ બૉલીવુડ હવે વધુ કેટલાંક રમતવીરોને રૂપેરી પડદે સાકાર કરવાની તૈયારીમાં છે.
ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તર તરીકે મિલ્ખા સિંહ જીવંત થયા બાદ હવે મોટા પડદે મુક્કાબાજ મૅરી કોમ પણ પ્રિયંકા ચોપરા સ્વરૂપે જીવંત થવાની તૈયારીમાં છે. દરમિયાન જાણીતા કુશ્તીબાજ દારા સિંહ હવે મોટા પડદે સાકાર થઈ ઉઠવાનાં છે. તેમના જીવનને પડદા ઉપર જીવી બતાવવાની તૈયારી કરી રહ્યાં છે ખેલાડી અક્ષય કુમાર.
મળતી માહિતી મુજબ ફિલ્મ દિગ્દર્શક રોહિત જુગરાજે દારા સિંહ ઉપર ફિલ્મ બનાવવા અંગે તેમના પુત્ર વિંદૂ દારા સિંહ સાથે સમ્પર્ક સાધ્યો હતો. વિંદૂએ આ વાતને સમર્થન આપતાં જણાવ્યું - હા, રોહિત જુગરાજે મારા પિતાના જીવન ઉપર ફિલ્મ બનાવવા મારી સાથે સમ્પર્ક સાધ્યો હતો. અક્ષય કુમારની મારા પિતાની ભૂમિકા માટે પસંદગી કરાઈ છે. જોકે અક્ષયે આ અંગે નિર્ણય કરવા માટે થોડોક સમય માંગ્યો છે.
આઈપીએલ સ્પૉટ ફિક્સિંગમાં આરોપી બન્યા બાદ ચર્ચામાં આવેલ અને તેર દિવસ સુધી જેલમાં રહેનાર વિંદૂ દારા સિંહે જણાવ્યું - આવું બધું થતું રહે છે અને હું નથી ઇચ્છતો કે જ્યારે મીડિયા મારી પાછળ પડ્યું હોય, ત્યારે અક્ષય કુમાર મારી સાથે જોડાઈ ક્ષોભનો અનુભવ કરે.
દરમિયાન દારા સિંહના જીવન પર ફિલ્મ બનાવવા અંગેના પ્રોજેક્ટ ઉપર કામ શરૂ થઈ ગયું છે. રસપ્રદ બાબત એ છે કે દારા સિંહના જીવન પર વધુ એક ફિલ્મ કતારમાં છે. આ પંજાબી ભાષાની ફિલ્મ હશે. વિંદૂએ જણાવ્યું - હા જટ એન્ડ જૂલિયેટ ફિલ્મના નિર્માતાઓ પંજાબી ફિલ્મ માટે મારો સમ્પર્ક સાધ્યો હતો. તેઓ સંગ્રામ સિંહને મારા પિતાની ભૂમિકામાં લેવા માંગે છે. જોઇએ કે પહેલા કઈ ફિલ્મ બને છે.