Pics : મલાઇકા@40, હવે ઐશ, ક્રિશ અને સિમરનનો વારો!
અમદાવાદ, 23 ઑક્ટોબર : બૉલીવુડના મુન્ની મલાઇકા અરોરા ખાન આજે 40 વર્ષના થઈ ગયાં. સામાન્ય માણસની જેમ વિચારીએ, તો કોઈ પણ વ્યક્તિનું ચાલીસીએ પહોંચવું જીવનનો એક મહત્વનો અધ્યાય સમાપ્ત થવા જેવું છે, પરંતુ જ્યાં સુધી ગ્લૅમર જગતની વાત છે, તો ત્યાં 40 વર્ષના થવાનો મતલબ છે ગ્લૅમરની ઝાકઝમાળને ગેરલાયક ઠરવાના સમયની શરુઆત થાય છે.
જોકે આજકાલ બૉલીવુડ અને ગ્લૅમર જગતમાં પણ મોટી વયના લોકોનો જલવો જળવાયેલો રહ્યો છે. મલાઇકા અરોરા ખાન ભલે 40 વર્ષના થઈ ગયા હોય, પરંતુ આજેય તેમના હુશ્નના લાખો લોકો ઘેલા છે, તો સવાલ એ ઊભો થાય છે કે મલાઇકા પછી હવે કોનો વારો છે ચાલીસીને સ્પર્શ કરવાનો?
આ સવાલનો જવાબ થોડોક ચોંકાવનારો છે, કારણ કે આવી સેલિબ્રિટીઓની યાદીમાં બૉલીવુડના સૌથી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય અને સુપર હીરો ક્રિશ એટલે કે હૃતિક રોશનનો પણ સમાવેશ થાય છે કે જેઓ હવે 40 વર્ષના થવાના છે. જોકે ઐશ્વર્યા રાય માતૃત્વ ધારણ કર્યા બાદ પુનઃ ફિલ્મોમાં સક્રિય થવાની તૈયારી કરી રહ્યાં છે, તો હૃતિક રોશન ક્રિશ 3 ફિલ્મ સાથે પુનઃ એક વાર સુપર હીરો તરીકે રૂપેરી પડદે આવી રહ્યાં છે. તેવી જ રીતે સિમરન એટલે કે કાજોલ પણ હવે ચાલીસીએ પહોંચવાના છે અને તેઓ પણ બૉલીવુડમાં કમબૅકની તૈયારી કરી રહ્યાં છે.
આવો તસવીરો સાથે જાણીએ @40ની લાઇનમાં કોણ-કોણ આવી રહ્યું છે :

મલાઇકા અરોરા ખાન
બૉલીવુડમાં મુન્ની ગર્લ તરીકે પ્રખ્યાત મલાઇકા અરોરા ખાન આજે ચાલીસ વર્ષના થઈ ગયાં છે. હવે આગામી એક વર્ષ દરમિયાન કયા-કયા સ્ટાર્સ 40ને સ્પર્શવાના છે, તે જાણવા માટે સ્લાઇડ આગળ ધપાવો.

પેરિઝાદ ઝોરેબિયન
પેરિઝાદ ઝોરેબિયનનો જન્મ 23મી ઑક્ટોબર, 1973ના રોજ થયો હતો. તેથી તેઓ પણ મલાઇકા સાથે આજે જ ચાલીસ વર્ષના થયાં છે.

રવીના ટંડન
બૉલીવુડમાં મસ્ત મસ્ત ગર્લ તરીકે જાણીતા રવીના ટંડન આગામી 26મી ઑક્ટોબરે 40 વર્ષના થઈ જશે. તેઓ હાલ દક્ષિણ ભારતીય ફિલ્મોમાં વ્યસ્ત છે અને બૉલીવુડમાં પણ કમબૅકની તૈયારીઓ કરી રહ્યાં છે.

ઐશ્વર્યા રાય
ઔર પ્યાર હો ગયા ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર ઐશ્વર્યા રાય 1લી નવેમ્બરના રોજ 40 વર્ષના થશે. તેઓ હાલ બ્રેક ઉપર છે અને ટુંકમાં જ કમબૅક કરવાના છે.

નગ્મા
બાગી ગર્લ નગ્મા 25મી ડિસેમ્બરના રોજ ચાલીસને સ્પર્શવાના છે.

ટ્વિંકલ ખન્ના
અક્ષય કુમાર સાથે લગ્ન કરી ઠરીઠામ થઈ ચુકેલાં ટ્વિંકલ ખન્ના 29મી ડિસેમ્બરે 40મો જન્મ દિવસ ઉજવશે. તેઓ ફિલ્મોથી હાલ દૂર છે.

ફરહાન અખ્તર
ભાગ મિલ્ખા ભાગ દ્વારા જોરદાર અભિનય કરનાર ફરહાન અખ્તર આગામી 9મી જાન્યુઆરીના રોજ 40 વર્ષના થઈ જશે.

હૃતિક રોશન
કહો ના પ્યાર હૈ ફિલ્મ દ્વારા કૅરિયર શરૂ કરનાર હૃતિક રોશન બૉલીવુડના સુપર હીરો તરીકે સ્થાપિત થઈ ચુક્યાં છે. કોઈ મિલ ગયા, ક્રિશ અને હવે ક્રિશ 3માં પણ તેઓ સુપર હીરો તરીકે દેખાશે. હૃતિક રોશન આગામી 10મી જાન્યુઆરીના રોજ 40 વર્ષના થશે.

ઉર્મિલા માતોંડકર
રંગીલા ગર્લ ઉર્મિલા માતોંડકરની છેલ્લા કેટલાય વખતથી કોઈ ફિલ્મ આવી નથી. તેઓ ઈવેંટ્સમાં દેખાતાં રહે છે. ઉર્મિલા આગામી 4થી ફેબ્રુઆરીના રોજ ચાલીસમો જન્મ દિવસ ઉજવશે.

ફરદીન ખાન
ફિરોઝ ખાનના પુત્ર અભિનેતા ફરદીન ખાન પણ આજકાલ બૉલીવુડ ફિલ્મોમાં વધુ દેખાતા નથી. તેઓ 8મી માર્ચના રોજ ચાલીસ વર્ષના થઈ જશે. તેમની છેલ્લી હિટ ફિલ્મ નો એન્ટ્રી હતી અને તેઓ તેની સિક્વલ નો એન્ટ્રી મેં એન્ટ્રીમાં દેખાશે.

રેમો ડિસૂઝા
એક્ટર, ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર રેમો ડિસૂઝા આગામી 2જી એપ્રિલના રોજ ચાલીસના થઈ જશે.

કરિશ્મા કપૂર
ચમકતા કૅરિયર દરમિયાન સંજય કપૂર સાથે લગ્ન કરી લેનાર કરિશ્મા કપૂર હવે પુનઃ બૉલીવુડમાં સક્રિય થવા હવાતિયાં મારી રહ્યાં છે, પરંતુ તેઓ આગામી 25મી જૂનના રોજ 40 વર્ષને સ્પર્શી જશે.

કાજોલ
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે બાદ સિમરન તરીકે જાણીતા થયેલા કાજોલ પણ પુનઃ સક્રિય થવાના પ્રયત્નો કરી રહ્યાં છે. તેઓ આગામી 5મી ઑગસ્ટના રોજ ચાલીસ વર્ષના થઈ જશે.