
દાઉદની બાબાને ધમકી, ફિલ્મ બનાવી દઇશ ‘એક થા એમએલએ’!
મુંબઈ, 29 જુલાઈ : સુના હૈ તૂ મેરે ખાસ આદમી અહમદ લંગડા કો પરેશાન કર રહા હૈ। સમઝ જા બાબા વરના અંજામ ભુગતના પડ઼ેગા. વો અપના ફિલ્મ ડાયરેક્ટર હૈ ન... અરે વહી રામ ગોપાલ વર્મા ઉસસે કહકે તેરી ફિલ્મ બનવા દૂંગા એક થા એમએલએ. ચલ અબ દેખ લે તૂ ક્યા ચાહતા હૈ.
આપ સમજી જ ગયા હશો કે ધમકી આપવાનો આ અંદાજ કોનો હશે. જો નથી સમજ્યાં, તો અમે આપને બતાવી દઇએ. આ ધમકી ડી કમ્પનીના માલિક અને અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમે મહારાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્ય બાબા સિદ્દીકીને આપી છે. હા જી. અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમ ભલે આજે ભારતની ધરતીથી ઘણો દૂર બેઠો હોય, પણ તેનો આતંક હજીય દેશમાં છે. મહારાષ્ટ્રના દૈનિક સમાચાર પત્ર સામનામાં છપાયેલ ખબર મુજબ દાઉદની ધમકી મળ્યા બાદ બાબા સિદ્દીકી મુખ્યમંત્રી પાસે પહોંચી ગયાં. તેમની આપવીતી સાંભળ્યા બાદ મુખ્યમંત્રીએ તેમના સમગ્ર પરિવારની સલામતી વધારવાના આદેશો આપ્યાં.
સામનામાં જણાવ્યા મુજબ મુંબઈમાં જમીનના એક ટુકડા અંગે બાબા સિદ્દીકી અને દાઉદના સાગરીત અહેમદ લંગડા વચ્ચે વિવાદ ચાલે છે. પછી છોટા શકીલે બાબાને ધમકી આપી કે તે આ કેસમાંથી હટી જાય, નહિંતર પરિણામ સારૂં નહિં આવે. બાબાએ તેની ફરિયાદ મુંબઈ પોલીસને કરી. પોલીસે અહેમદની ધરપકડ કરી તેની સામે મકોકા લગાવ્યું.
કહે છે કે દાઉદ ઇબ્રાહીમ તેથી જ બાબા સિદ્દીકીથી નારાજ થઈ ગયો. પછી દાઉદે બાબા સિદ્દીકીને ધમકી આપી દીધી. દાઉદે જણાવ્યું કે રામ ગોપાલ વર્માને કહી તારી ફિલ્મ બનાવડાઈ દઇશ એક થા એમએલએ. પોલીસના ઉચ્ચાધિકારી અંબાદાસ પોટેએ આ અંગેની પુષ્ટિ પણ કરી છે. જાણકારોનું કહેવું છે કે દાઉદે આ પ્રકારની ધમકી એટલા માટે આપી, કારણ કે રામ ગોપાલ વર્માએ અંડર વર્લ્ડ પર આધારિત સત્યા, કમ્પની, અબ તક છપ્પન જેવી અનેક ફિલ્મો બનાવી છે.
નોંધનીય છે કે તાજેતરમાં જ સલમાન ખાન અને શાહરુખ ખાન બંનેને એક મંચ ઉપર લાવવા બદલ બાબા સિદ્દીકી ચર્ચામાં આવ્યા હતાં.