જેક્લીન ફર્નાન્ડીઝને લઈને EDનો નવો ખુલાસો, સુકેશે આ મોંઘી ગિફ્ટ આપી હતી!
મુંબઈ, 13 ડિસેમ્બર : 200 કરોડની ખંડણી અને મની લોન્ડરિંગ મામલામાં બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિસની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ છેતરપિંડીના આરોપી સુકેશ ચંદ્રશેખર સામેની તેની ચાર્જશીટમાં જણાવ્યું હતું કે તેણે અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝને પોતાને શેખર રત્ન વેલા તરીકે ઓળખાવ્યો હતો. હાલમાં જ EDએ એક મોટો ખુલાસો કરતા કહ્યું હતું કે સુકેશે જેક્લીનને કરોડો રૂપિયાની ભેટ પણ આપી હતી.
ઠગ સુકેશ ચંદ્રશેખરે સૌપ્રથમ ડિસેમ્બર 2020 અને જાન્યુઆરી 2021માં જેક્લીન ફર્નાન્ડીઝનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણીએ કોલનો જવાબ આપ્યો ન હતો, કારણ કે તે જાણતી ન હતી કે તે કોણ છે. એજન્સીએ એ પણ ખુલાસો કર્યો હતો કે સુકેશ ચંદ્રશેખરે તેના મેક-અપ આર્ટિસ્ટ શાન મુત્તાથિલ દ્વારા અભિનેત્રીનો સંપર્ક કર્યો હતો. મેક-અપ આર્ટિસ્ટને કથિત રીતે સરકારી અધિકારી હોવાનો દાવો કરતી કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેમાં કહ્યું હતું કે અભિનેત્રીએ શેખર રત્ન વેલા એક ખૂબ જ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે સંપર્ક રાખવો જોઈએ.
જેક્લીન ફર્નાન્ડિઝે એજન્સીને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, સુકેશ ચંદ્રશેખરે જેક્લીનને હીરાની બુટ્ટીઓની બે જોડ, બે હર્મિસ બ્રેસલેટ, ત્રણ બિર્કિન બેગ અને લૂઈ વિટનના જૂતાની એક જોડી ગિફટ આપી હતી. આ ઉપરાંત તેને જીમમાં પહેરવા માટેના બે ગૂચી ડ્રેસ અને 200 કરોડ રૂપિયાની ખંડણીના કેસના મુખ્ય આરોપી પાસેથી પત્થરોનું બહુરંગી બ્રેસલેટ પણ મળી આવ્યું હતું. પીએમએલએ એક્ટની કલમ 50 હેઠળ નોંધાયેલા પોતાના નિવેદનમાં સુકેશ ચંદ્રશેખરે કહ્યું હતું કે, તેણે અભિનેત્રીને ચેનલ, ગુચીની 15 જોડી ઈયરિંગ્સ, પાંચ બિર્કિન બેગ અને અન્ય લક્ઝરી વસ્તુઓ આપી હતી. તેને એવો પણ દાવો કર્યો હતો કે જેક્લીન ફર્નાન્ડિઝને ટિફની એન્ડ કંપની દ્વારા કાર્ટિયર બંગડી, વીંટી, રોલેક્સ ઘડિયાળો તેમજ બ્રેસલેટ ભેટમાં આપ્યા હતા.