ફરાહ ખાને જણાવ્યુ કેમ ‘મે હુ ના'માં મુસલમાન નહિ, હિંદુને બનાવ્યા હતા આતંકી
ફિલ્મમેકર ફરાહ ખાને પોતાની ડેબ્યુ ફિલ્મ 'મે હુ ના' વિશે મોટુ નિવેદન આપ્યુ છે. ફરાહે કહ્યુ છે કે તેમણે ફિલ્મ બનાવતી વખતે એ વાત સુનિશ્ચિત કરી હતી કે મુખ્ય વિલન મુસલમાન ન હોય. ફરાહે આ નિવેદન પોડકાસ્ટ 'પિક્ચર કે પીછે' પર વાતચીત દરમિયાન આપ્યુ. ફરાહે 'મે હુ ના'થી બોલિવુડમાં ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કર્યુ હતુ. સફળ કોરિયોગ્રાફર રહેલી ફરાહને આ ફિલ્મે ઈન્ડસ્ટ્રીમાં નવી ઓળખ આપી હતી. તેમના આ નવા ખુલાસા પર વિવાદ થશે એટલુ તો નક્કી છે પરંતુ હજુ સુધી ફરાહ તરફથી આ નિવેદનથી અલગ કોઈ ટિપ્પણી આવી નથી.

રાઘવન બનેલા સુનીલ શેટ્ટી હતા મુખ્ય વિલન
‘મે હુ ના' માં મેઈન લીડ રોલમાં શાહરુખ ખાન હતા જેમણે મેજર રામ પ્રસાદ શર્માની ભૂમિકા નિભાવી હતી. સુનીલ શેટ્ટી ફિલ્મના મુખ્ય વિલન હતા જેમનુ નામ ફિલ્મમાં રાઘવન હોય છે. ફરાહના જણાવ્યા મુજબ તેમનો સમજી વિચારીને લેવાયેલો નિર્ણય હતો તે એક મુસલમાન વિલન નહિ હોય. પ્રેસ રિલીઝ મુજબ ફરાહે કહ્યુ, તે નહોતી ઈચ્છતી કે તેની ફિલ્મમાં મુસલમાન વિલન હોય. માત્ર એટલુ જ નહિ ફરાહે વિલનનો જમણો હાથ જે વ્યક્તિને પસંદ કર્યો તેનુ નામ ખાન હતુ. આ વ્યક્તિને અહેસાસ થાય છે કે તેને આખી જિંદગી ખોટી દિશામાં ચાલવા માટે પ્રેરિત કરવામાં આવ્યો હતો અને આ કારણે તેણે પોતાના દેશની જગ્યાએ આતંકવાદને પસંદ કર્યો.

આતંકી બની જાય છે રાઘવન
ફિલ્મમાં સુનીલ શેટ્ટી એક એવા રિટાયર્ડ આર્મી ઓફિસર હોય છે જે આતંકવાદી બની જાય છે. રાઘવન બનેલા સુનીલને પસંદ નથી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિને આગળ લઈ જવા માટે દ્વિપક્ષીય વાતચીત થઈ રહી છે અને તે આમાં અડચણ નાખવાનુ ષડયંત્ર કરે છે. પરંતુ મેજર રામ પ્રસાદ શર્મા તેમના આ પ્લાનને ફેલ કરી દે છે. રાઘવનનો હાથ ગણાતા કેપ્ટન ખાન આ અંગે ઈન્ટેલીજન્સ આપે છે અને પછી આખો પ્લાન ચોપટ થઈ જાય છે. કેપ્ટન ખાનની ભૂમિકા મુરલી શર્માએ અદા કરી છે. આ ફિલ્મ વર્ષ 2004માં રિલીઝ થઈ હતી. ફરાહની માનીએ તો ખાન કે જે મુસલમાન છે તે માહિતી આપીને દેશ પ્રત્યેની પોતાની ઈમાનદારીને સાબિત કરે છે.

ભારત-પાકિસ્તાન વિશે ફિલ્મનો પ્લૉટ
ફરાહની આ ફિલ્મનો સબ્જેક્ટ યુદ્ધબંધીઓ પર હતો. તેમણે આના દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચે રાજકીય સંબંધોને બતાવવાની કોશિશ કરી હતી. ફિલ્મમાં બતાવવામાં આવ્યુ હતુ કે બંને દેશોની સરકારોએ પરસ્પર સંબંધોને બહેતર બનાવવા માટે પ્રોજેક્ટ મિલાપ લૉન્ચ કર્યુ હતુ. આના દ્વારા બંને દેશ યુદ્ધબંધીઓને મુક્ત કરી શાંતિ જાળવવા પર રાજી થાય છે. ફરાહની આ ફિલ્મ વર્ષ 2004ની બ્લૉકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી અને તેણે લગભગ 84 કરોડનો બિઝનેસ કર્યો હતો. ફરાહની આ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, સુષ્મિતા સેન, ઝાયદ ખાન અને અમૃતા રાવ મુખ્ય ભૂમિકામાં હતા.

ઋતિક રોશનને ફિલ્મમાં ઈચ્છતી હતી ફરાહ
ફરાહે જણાવ્યુ કે તેમને ફિલ્મમાં લક્ષ્મણ પ્રસાદ શર્મા એટલે કે લકીના રોલમાં હીરો શોધવામાં બહુ મુશ્કેલી નડી. તેમણે એ વખતે ઋતિક રોશન સાથે આ અગે વાત કરી હતી પરંતુ ફિલ્મ કહોના પ્યાર હેની સુપરહિટ સક્સેસ બાદ ઋતિક બે હીરોવાળી ફિલ્મમાં કામ કરવા નહોતા માંગતા. તેમણે અભિષેક બચ્ચન અને સોહેલ ખાનના નામ પર પણ વિચાર્યુ. અંતમાં રોલ ઝાયદ ખાનના ભાગમાં ગયો હતો. એવા સમાચાર પણ આવ્યા હતા કે ફરાહ ‘મે હુ ના 2' એટલે કે આની સીક્વલ પર પણ કામ કરી રહી છે. આના પર તેમણે જવાબ આપ્યો કે તેમણે શરૂઆતમાં આના પર વિચાર કર્યો હતો. ફરાહ સીક્વલમાં મેજર રામમને 15 વર્ષ બાદ વધુ એક મિશન પર મોકલવા ઈચ્છતા હતા પરંતુ પછી તેમણે આઈડિયા ડ્રોપ કરી દીધો કારણકે તેમને લાગ્યુ કે લોકોને નવી કહાનીઓ સંભળાવવી જોઈએ.
આ પણ વાંચોઃ નિર્ભયા કેસઃ નવા ડેથ વોરન્ટ બાદ દોષિતોમાં ડર, વિનયે દીવાલ સાથે માથુ ભટકાડ્યુ