કાજલ અગ્રવાલને મળવા ફેને ખર્ચા 60 લાખ, મળ્યો દગો!
પોતાના ચાહિતા સ્ટાર્સ પાછળ ફેન્સની દિવાનગીના કિસ્સા તમે ઘણી વાર સાંભળ્યા હશે. આવા જ એક ફેનનો કિસ્સો તમને જણાવિશું જેણે સાઉથ ફિલ્મ ઉદ્યોગની સ્ટારને મળવા માટે લાખો ગુમાવી દીધા છે. પોતાની મનપંસદ અભિનેત્રીની એક ઝલક મેળવવાની ઘેલછા તેને એટલી ભારે પડી કે તેણે આ સ્ટારને મળવા માટે 60 લાખ ખર્ચી નાખ્યા, જે વિચારીને જ અઘરું લાગે છે.
સાઉથની સ્ટાર કાજલ અગ્રવાલ કે જેને તમે અજય દેવગનની સુપરહિટ ફિલ્મ 'સિંઘમ'માં જોઈ ચૂક્યા છો. આ અભિનેત્રી હિંદી ફિલ્મો સાથે સાઉથ ફિલ્મ ઉદ્યોગમાં ઉંચુ નામ કમાઈ ચૂકી છે. સાઉથમાં કાજલની એક ઝલક જોવા માટે લાખો ફેન્સ પડાપડી કરી મુકે છે. જો કે આ વખતે મામલો 60 લાખ સુધી પહોંચી ગયો છે.

તમિલનાડુના રામાનાથપુરમ શહેરનો એક વ્યક્તિ
તમિલનાડુના રામાનાથપુરમ શહેરનો એક વ્યક્તિ કાજલ અગ્રવાલનો મોટો ફેન છે. આ વ્યકિત કોઈ પણ સંજોગોમાં કાજલની એક ઝલક મેળવવા તત્પર હતો. આવા સમયે તેને એક વેબસાઈટ વિશે જાણવા મળ્યુ.

વેબસાઈટ વિશે મળી જાણકારી
આ વેબસાઈટ કાજલ અગ્રવાલને મળવા વિશેની જાણકારી આપી રહી હતી. વેબસાઈટના જણાવ્યા પ્રમાણે તેઓ ફેન્સને કાજલ અગ્રવાલ સાથે મુલાકાત કરાવી આપવાનું કામ કરે છે.

50 હજારમાં અંગત જાણકારી કરી શેયર
કાજલના આ ફેને વેબસાઈટ પર આ મામલે તપાસ કરી. વેબસાઈટ સાથે જોડાયેલા લોકોએ 50 હજાર રૂપિયામાં કેટલીક અંગત જાણકારી માંગી. આ ફેન્સે વિના કંઈ વિચાર્યે 50 હજાર રૂપિયામાં તમામ જાણકારી આપી દીધી.

વાંરવાર થઈ પૈસાની માંગણી
પછી શું પૈસા માંગવાનો સિલસિલો શરૂ થઈ ગયો અને આ ફેન સતત પૈસા ભરવા લાગ્યો. જ્યારે પણ તે કાજલને મળવાની વાત કરતો ત્યારે તેને ટાળી દેવાતો. ત્યારે આ ફેનને અહેસાસ થયો કે તેની સાથે દગો થઈ રહ્યો છે.

ફોટો લીક કરવાની આપી ઘમકી
જ્યારે આ ફેને પૈસા આપવાથી ઈન્કાર કરી દીધો ત્યારે વેબ પેજ સાથે જોડાયેલા લોકોએ તેની અંગત જાણકારી અને ફોટો લીક કરી દેવાની ઘમકી આપી. જો કે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યુ હતુ અને અત્યાર સુધીમાં કાજલનો આ ફેન 60 લાખ રૂપિયા આપી ચૂક્યો હતો.

ફેન થયો ગાયબ
સ્થિતિ કંઈક એવી થઈ કે આ ફેન સતત તણાવમાં રહેવા લાગ્યો. તેણે પોતાનું ઘર છોડી દીધું. જ્યારે પોલીસ સામે આ મામલો આવ્યો ત્યારે કોલકાતાથી આ ફેનને પાછો લાવવામાં આવ્યો. પોલિસ ફરિયાદ બાદ શ્રવણ કુમાર નામની વ્યકિતને કસ્ટડીમાં લેવામાં આવ્યો.