પોર્ન ફિલ્મ્સ, IPL પર સટ્ટો, પૂનમ પાંડે કેસ અને કરોડોના કૌભાંડ, જાણો રાજ કુન્દ્રા સાથે જોડાયેલા વિવાદો
પોર્ન ફિલ્મ્સ બનાવવા અને એપ પર વેચવાના મામલે રાજ કુન્દ્રાને 23 જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ કિસ્સામાં પોલીસ શિલ્પા શેટ્ટીની પૂછપરછ કરી શકે છે. કારણ કે શિલ્પા મોટાભાગના બિઝનેસમાં પતિ રાજ કુંદ્રાની પાર્ટનર છે. ક્રાઇમ બ્રાંચના જણાવ્યા અનુસાર રાજ કુન્દ્રાએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં 8થી 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.
આ પહેલીવાર નથી જ્યારે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાનું નામ કોઈ મોટા વિવાદમાં સપડાયું હોય. બિઝનેસ લાઇફ સાથે સાથે રાજ કુન્દ્રાની અંગત જિંદગી પણ ખૂબ વિવાદાસ્પદ રહી છે. રાજે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પહેલી પત્ની કવિતાનું તેના બનેવી સાથે અફેર હતું, જે કારણે તેણે કવિતાને છૂટાછેડા આપી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ કુન્દ્રાનો જન્મ 9 સપ્ટેમ્બર, 1975 માં લંડનમાં થયો હતો. રાજ મૂળ દ્વારા ભારતીય છે, પરંતુ બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે. રાજ કુન્દ્રાનો બિઝનેસ દેશ-વિદેશમાં ફેલાયો છે.

પોર્ન ફિલ્મ્સનો બિઝનેસ
પોર્ન ફિલ્મ્સના શૂટિંગના કેસમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં કેસ નોંધવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં પોલીસ દ્વારા અભિનેત્રી ગેહાના વશિષ્ઠ સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે બે FIR પણ નોંધાવામાં આવી હતી.
IPLમાં મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજી
શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા રાજસ્થાન રોયલ્સ ટીમના સહ માલિક હતા. જૂન 2013માં તેના પર મેચ ફિક્સિંગ અને IPLમાં સટ્ટાબાજીનો આરોપ લાગ્યો હતો. લોઢા સમિતિ દ્વારા રાજને સટ્ટાબાજીના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને ક્રિકેટ સંબંધિત પ્રવૃત્તિઓમાં ક્યારેય ભાગ ન લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ સાથે રાજસ્થાન રોયલ્સની ટીમને પણ 2 વર્ષના પ્રતિબંધનો સામનો કરવાની ફરજ પડી હતી.
પૂનમ પાંડેએ નોંધાવ્યો હતો ફોજદારી ગુનો
મોડેલ પૂનમ પાંડેએ રાજ કુન્દ્રા પર બળાત્કારની ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો. પૂનમ પાંડેએ રાજ કુન્દ્રા અને તેના સાથી વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી કે, રાજ કુન્દ્રાની કંપનીએ તેમના ફોટોગ્રાફ્સનો દુરૂપયોગ કર્યો છે. પૂનમે જણાવ્યું હતું કે, તેણે રાજ અને સૌરભની કંપની સાથે કરાક કર્યો હતો. આ કરાર ખૂબ ટૂંકા સમય માટે હતો. કરાર પૂરો થયા બાદ પણ તેમની કંપનીના લોકોએ પરવાનગી વગર પૂનમના નંબર અને વીડિયોનો ઉપયોગ કર્યો હતો.
24 લાખની છેતરપિંડી
વર્ષ 2017માં રાજ કુન્દ્રા પર એક ટેક્સટાઇલ કંપની સાથે 24 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ કરાયો હતો. આ કંપનીનો આરોપ છે કે, રાજ અને શિલ્પા દ્વારા કંપનીના નામે એકત્રિત કરવામાં આવેલી રકમ કંપનીને આપવામાં આવી નથી. જે બાદ રાજ સામે છેતરપિંડીનો કેસ પણ નોંધવામાં આવ્યો હતો.
બિટકોઇન કૌભાંડ
રાજ કુન્દ્રાનું નામ બિટકોઇન કેસમાં સાથે પણ જોડાયું હતું. આ કેસમાં રાજ કુન્દ્રા પર કરોડો રૂપિયાની હેરાફેરી અને છેતરપિંડીનો આરોપ હતો. ક્રાઈમ સેલ અને પૂણે પોલીસ અને EDની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, રાજ કુન્દ્રા સહિત ઘણા અન્ય બોલિવૂડ સ્ટાર્સ આવી સ્કીમને પ્રમોટ કરી રહ્યા છે.
પૂણે સ્થિત ઉદ્યોગપતિ અમિત અને તેના ભાઈ વિવેક ભારદ્વાજ, જે ગેનબિટકોઇન કંપનીના ડારેક્ટર હતા, તેમના પર એક સ્કીમના માધ્યમથી આશરે 8 હજાર લોકો પાસેથી 2 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો હતો.
સોના સાથે જોડાયેલો વિવાદ
સતયુગ ગોલ્ડ પ્રા.લિ. સાથે જોડાયેલા કથિત કૌભાંડમાં શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાનું નામ પણ શામેલ હતું. પતિ-પત્ની બંને સતયુગ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ (SGPL) નામની કંપનીના ડિરેક્ટર રહ્યા છે. મુંબઇમાં રહેતા એક NRIએ આરોપ લગાવ્યો હતો કે, તેણે આ કંપની પાસેથી સોનાની સ્કીમમાં રૂપિયા 18 લાખનું રોકાણ કર્યું હતું, આ દરમિયાન તેમને પાંચ વર્ષમાં નિશ્ચિત ગ્રોથનું વચન આપવામાં આવ્યું હતું. જોકે બાદમાં કંપનીને ગ્રાહકોને જાણ કર્યા વગર જ બંધ કરી દેવામાં આવી હતી.