
સુશાંતની બહેને કર્યો અંકિતા લોખંડેને સપોર્ટ, જાણો શું કહ્યું?
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ અભિનેત્રી અંકિતા લોખંડે ઘણી વાર ટ્રોલ થઇ ચૂકી છે. અંકિતા લોખંડે પર સુશાંત સિંહ રાજપૂતના મોતનો ફાયદો ઉઠાવવા અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો આરોપ પણ લગાવવામાં આવ્યા છે.
આ આરોપો વચ્ચે પણ સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ અંકિતા લોખંડેની તરફદારી કરી હતી.
શ્વેતા સિંહ કીર્તિ ઘણા દિવસો બાદ સોશિયલ મીડિયા પર પરત ફરી હતી. આવા સમયે સોશિયલના એક યુઝરે શ્વેતા સિંહને પૂછ્યું કે, તે અંકિતા લોખંડેને આટલો સપોર્ટ કેમ આપે છે. જે બાદ સુશાંતની બહેન શ્વેતાએ તેનો જવાબ આપ્યો હતો.
શ્વેતાએ આ યુઝરને જવાબ આપતા લખ્યું કે, મને સત્ય ખબર નથી, પરંતુ એ ચોક્કસ ખબર છે કે, અંકિતા મારા ભાઈના મૃત્યુ બાદ હંમેશા અમારા પરિવાર સાથે ઉભી રહે છે. મેં જાતે જોયું છે કે, અંકિતા મારા ભાઈની સંભાળ રાખતી હતી. એકવાર જ્યારે હું મુંબઈમાં હતી અને ભાઈને પેટમાં દુઃખાવો ઉપડ્યો, ત્યારે અંકિતાએ સુશાંત માટે ડૉક્ટરને બોલાવ્યા હતા. જે પછી ડૉક્ટરે ભાઇને દવા આપી એટલે તેને રાહત થઇ હતી. તે સમયે મને રિયલાઇઝ થયું કે, અંકિતા ખરેખર કેરિંગ અને દયાળુ વ્યક્તિ છે.
શ્વેતા વધુમાં લખ્યું કે, મને CBI પર પૂરો વિશ્વાસ છે. હું સત્ય બહાર આવે તેની રાહ જોઈ રહી છું. હું દરરોજ ઇશ્વરને પ્રાર્થના કરું છું કે, સત્ય જલદીથી સામે આવે. ભગવાન કરતાં મોટી કોઈ શક્તિ નથી. ઉલ્લેખનીય છે કે, 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂત મુંબઇ સ્થિત તેના જ ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. હાલમાં આ મામલે CBI તપાસ કરી રહી છે.