હાઈકોર્ટે આદેશમાં કહ્યું- શાહરૂખના પુત્ર વિરુદ્ધ કોઈ પુરાવા નથી
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ કેસમાં રાહત મળી છે. બોમ્બે હાઈકોર્ટે 14 પાનાનો આદેશ આપ્યો છે કે, મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં આર્યન ખાન અને તેના સહયોગીઓ વિરુદ્ધ કોઈ પુરાવા નથી. બોમ્બે હાઈકોર્ટે શનિવારના જામીનના આદેશની નકલ જાહેર કર્યો છે.
જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેની સિંગલ બેન્ચે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીન સ્વીકારી લીધા છે. કોર્ટે જણાવ્યું છે કે, અર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાએ ડ્રગ્સ સંબંધિત કોઈ ગુનો કર્યો નથી. કોર્ટનું કહેવું છે કે, તેમની સામે કોઈ પુરાવા મળ્યા નથી.
ફોનની વોટ્સએપ ચેટમાંથી આર્યન ખાનને ડ્રગ્સ લાવવાની એનસીબી દ્વારા કરવામાં આવેલી વાત પર પણ કોર્ટે કહ્યું છે કે, કશું જ વાંધાજનક સામે આવ્યું નથી. જામીનના હુકમમાં લખવામાં આવ્યું છે કે, કોર્ટ સમક્ષ કોઈ ઓન રેકોર્ડ હકારાત્મક પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી.

આર્યન ખાન વિરુદ્ધ કોઈ પુરાવા નથી
કોર્ટ જુએ છે કે, પુરાવા તરીકે મૂળભૂત સામગ્રી હોવી જોઈએ. જેથી ષડયંત્રનો કેસ સાબિત થઈ શકે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આર્યન અને તેના મિત્રો અરબાઝ અને મુનમુનક્રુઝ પર સાથે હતા એટલા માટે જ તેમના પર ષડયંત્રનો આરોપ લગાવી શકાય નહીં.

ડ્રગ્સ લીધું હતું કે નહીં
આ કેસમાં કોઈ ષડયંત્રનું કનેક્શન હોવાનો સંકેત નથી. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું છે કે, ત્રણેય આરોપીઓ લગભગ 25 દિવસથી જેલમાં છે. આ સમયદરમિયાન તેમની તબીબી તપાસ કરવામાં આવી નથી, જેથી તે જાણી શકાય કે, તેમણે ડ્રગ્સનું સેવન કર્યું હતું કે નહીં.

28 ઓક્ટોબરના રોજ મંજૂર કરાયા હતા જામીન
ઉલ્લેખનીય છે કે, 2 ઓક્ટોબરની રાત્રે NCBએ મુંબઈથી ગોવા ક્રૂઝ શિપ પર ચાલી રહેલી રેવ પાર્ટી પર રેડ કરવામાં આવી હતી.
આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અનેમુનમુન ધામેચા સહિત અનેક લોકોની ડ્રગ્સ ખરીદવા અને ડ્રગ્સ લેવાના આરોપમાં અટકાયત કરવામાં આવી હતી.
આર્યન અને તેના સહયોગીઓને 28 ઓક્ટોબરનારોજ જામીન મળ્યા હતા.