• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

pics : ‘બાપ’ને પજવનાર ગોવિંદા પહેલી વાર ‘પિતા’ના રોલમાં!

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 ઑક્ટોબર : ફિલ્મ આંખેં તો યાદ જ હશે? અમે ધર્મેન્દ્રની કે અમિતાભની આંખેંની વાત નથી કરતાં, અમે વાત કરીએ છીએ ગોવિંદાની આંખેંની. હવે તો યાદ આવી ગઈ ને? જો યાદ આવી જ ગઈ છે, તો એ પણ યાદ આવી ગયું હશે કે ગોવિંદા અને ચંકી પાન્ડેની હરકતો અને શરારતોથી તેમના પિતા એટલે કે કાદર ખાન કેટલા ત્રાસી જાય છે. ગોવિંદા જેવા પુત્રથી સૌથી વધુ પડદા ઉપર કોઈને ત્રાસ થયો હોય, તો તે કાદર ખાન જ હશે. આંખેં જ નહીં, પણ ગોવિંદા-કાદર ખાનને યાદ કરતાં દૂલ્હે રાજા જેવી ફિલ્મ પણ આપણી આંખો સામે તરી આવે છે.

ના ભાઈ ના... અમે અહીં ગોવિંદા-કાદર ખાનની જોડી કે તેમની કરામાતોની ચર્ચા કરવા નથી બેઠાં. વાત જ એવી છે કે અનાયાસે આ જોડીની યાદ આવી ગઈ. હકીકતમાં વાત જાણે એમ છે કે પડદા ઉપર બાપને પોતાની શરારતોથી બહુ હેરાન અને પરેશાન કરનાર ગોવિંદા હવે પોતે પડદા ઉપર બાપ બનવા જઈ રહ્યાં છે. આને ગોવિંદાની એક નવી ઇનિંગની શરુઆત કહી શકાય છે.

મળતી માહિતી મુજબ ગોવિંદા અનુરાગ કશ્યપની આગામી ફિલ્મ જગ્ગા જાસૂસમાં હીરો રણબીર કપૂરના પિતા તરીકેનો રોલ કરવા જઈ રહ્યાં છે અને રણબીર કપૂર આ બાબતને લઈને બહુ જ આતુર અને ખુશ છે કે તેમને નેવુના દાયકાના હિટ સ્ટાર ગોવિંદા સાથે કામ કરવાની તક મળી રહી છે. જોકે ફિલ્મમાં ગોવિંદા રણબીરના ઓરમાન પિતાનો રોલ કરી રહ્યાં છે, પરંતુ આ સમાચાર સાંભળતા જ ગોવિંદાનો બગડેલા પુત્ર તરીકેનો એક સુવર્ણ દાયકો અનાયાસે યાદ આવી ગયો.

ગોવિંદાએ પોતાના ફિલ્મની સફરની શરુઆત તો સદા સુહાગન ફિલ્મ સાથે કરી હતી કે જેમાં લીડ રોલમાં રેખા અને જિતેન્દ્ર હતાં, પરંતુ હીરો તરીકે ગોવિંદાની પ્રથમ ફિલ્મ ઇલ્ઝામ હતી કે જે 1986માં આવી હતી. આ ફિલ્મ સુપર હિટ રહી હતી અને ગોવિંદા એક નવા ડાન્સિંગ સ્ટાર તરીકે ઉપસી આવ્યા હતાં. તે પછી ગોવિંદાએ લગભગ સાત વરસ સુધી લવ, ડાન્સ અને એક્શન મસાલા ધરાવતી ફિલ્મો કરી. તેમાંની કેટલીક સફળ રહી, પરંતુ મોટાભાગની ફિલ્મો ફ્લૉપ ગઈ. અચાનક ગોવિંદા 1993માં નવા કૉમેડિયન અવતારમાં લોકો સમક્ષ આવ્યાં કે જ્યારે તેમની ફિલ્મ આંખેં રિલીઝ થઈ. અહીંથી જ ગોવિંદાએ કૉમેડીની શરુઆત કરી અને અહીંથી જ પડદા ઉપર પિતાને હેરાન-પરેશાન કરવાની ઇનિંગ પણ ચાલુ થઈ. આંખેંમાં ગોવિંદા સાથે ચંકી પાન્ડે પણ હતાં. આંખેં સફળ થઈ અને પછી તો ગોવિંદાએ પાછુ વળીને જોયું નહીં અને સતત કૉમેડી ફિલ્મો કરવા લાગ્યાં.

આંખેં બાદ પણ ગોવિંદાએ અનેક કૉમેડી ફિલ્મો કરી અને તેમાં મોટાભાગે પડદા ઉપર પિતાનો કે પછી તેમની હીરોઇનના પિતા તરીકે કાદર ખાન જ દેખાયાં. ગોવિંદાએ દૂલ્હે રાજા, અંખિયોં સે ગોલી મારે, રાજા બાબૂ, રાજાજી, જોરૂ કા ગુલામ, હસીના માન જાયેગી, સુનો સસુરજી, એક ઔર એક ગ્યારહ, ચલો ઇશ્ક લડાયેં, સાજન ચલે સસુરાલ, કૂલી નંબર 1, હીરો નંબર 1 જેવી અનેક ફિલ્મોમાં શાનદાર કૉમેડી કરી અને પિતા કે હીરોઇનના પિતાને પોતાની શરારતો વડે બહુ ત્રાસ આપ્યો, બહુ પજવ્યો.

હવે એ જ ગોવિંદા પોતે પિતા તરીકે ફિલ્મ જગ્ગા જાસૂસમાં આવી રહ્યાં છે. ગોવિંદા પહેલી વાર પ્રૌઢ પિતા તરીકે કોઈ ફિલ્મમાં આવી રહ્યાં છે. રણબીર કપૂર પણ ગોવિંદા સાથે કામ કરવા માટે ઉત્સાહિત છે. જગ્ગા જાસૂસ અનુરાગ કશ્યપની ફિલ્મ છે. રણબીર કપૂર બર્ફી બાદ બીજી વાર અનુરાગ સાથે કામ કરી રહ્યાં છે.

રણબીર કપૂર કહે છે - હું આ ફિલ્મ માટે બહુ આતુર છે, કારણ કે અમે સૌ એક અભિનેતા અને ડાન્સર તરીકે ક્યાંકને ક્યાંક ગોવિંદાથી પ્રભાવિત છીએ. ફિલ્મમાં તેઓ મારા પિતા બનશે. મારા માટે આ રોમાંચક તક છે. 31 વર્ષીય રણબીરે જણાવ્યું - મને આશા છે કે જગ્ગા જાસૂસ તેમની પ્રતિભાને યોગ્ય મંચ આપશે. રણબીર કપૂર જગ્ગા જાસૂસ સાથે ફિલ્મ નિર્માણની પણ શરુઆત કરી રહ્યાં છે, પણ રણબીર જરાય દબાણ હેઠળ નથી. તેઓ કહે છે કે હું અનુરાગ બાસુ સાથે બીજી વાર કામ કરી રહ્યો છું અને ફિલ્મો અંગે અમારી ખાસ વિચારસરણી છે. અમે અહીં સારી તેમજ મનોરંજક ફિલ્મો બનાવવા માટે છીએ. ફિલ્મમાં કૅટરીના કૈફ છે અને રણબીર કૅટ સાથે અજબ પ્રેમ કી ગઝબ કહાની બાદ બીજી વખત નજરે પડશે.

જુઓ બાપને હેરાન-પરેશાન કરતા ગોવિંદાની તસવીરી ઝલક :

આંખેથી શરુઆત

આંખેથી શરુઆત

ગોવિંદાએ પોતાના શરુઆતી સાત વર્ષના કૅરિયર દરમિયાન લવ, ડાન્સ અને એક્શનથી ભરપૂર ફિલ્મો કરી, પરંતુ ધારી સફળતા મળી નહીં અને 1993માં આંખેં ફિલ્મ સાથે ગોવિંદાએ કૉમેડી ક્ષેત્રે શરુઆત કરી. આ ફિલ્મમાં ગોવિંદાએ પોતાના પિતા કાદર ખાનને બહુ પજવ્યા હતાં.

દૂલ્હે રાજા

દૂલ્હે રાજા

દૂલ્હે રાજા ગોવિંદાની યાદગાર કૉમેડી ફિલ્મ કહી શકાય કે જેમાં તેઓ પોતાની હીરોઇનના પિતા કાદર ખાનને પજવે છે.

અંખિયોં સે ગોલી મારે

અંખિયોં સે ગોલી મારે

અંખિયોં સે ગોલી મારે ફિલ્મમાં પણ ગોવિંદા પોતાની હીરોઇન રવીના ટંડનના પિતા કાદર ખાનને પજવે છે.

કૂલી નંબર 1

કૂલી નંબર 1

કૂલી નંબર 1 ગોવિંદાની સુપર હિટ કૉમેડી ફિલ્મ હતી કે જેમાં તેઓ ડબલ રોલ કરી હીરોઇન કરિશ્મા કપૂરના પિતા કાદર ખાનને હેરાન કરે છે અને કૉમેડી કરે છે.

હસીના માન જાયેગી

હસીના માન જાયેગી

હસીના માન જાયેગી ફિલ્મમાં ગોવિંદા સંજય દત્ત સાથે મળી પોતાના પિતા કાદર ખાનને પોતાની હરકતોથી હેરાન-પરેશાન કરી નાંખે છે.

સુપર હિટ જોડી

સુપર હિટ જોડી

બૉલીવુડમાં કૉમેડી માટે કાદર ખાન અને ગોવિંદાની જોડીને સુપર હિટ ગણવામાં આવે છે. બંનેએ અનેક ફિલ્મોમાં પિતા-પુત્રનો રોલ કર્યો છે અને દર્શકોને ખૂબ હસાવ્યાં છે.

રણબીર એક્સાઇટેડ

રણબીર એક્સાઇટેડ

હવે ગોવિંદા પહેલી વાર જગ્ગા જાસૂસ ફિલ્મમાં પિતાના રોલમાં આવી રહ્યાં છે. તેઓ ફિલ્મમાં રણબીર કપૂરના પિતા બનવાના છે. રણબીર કપૂર ગોવિંદા સાથે કામ કરવા અંગે ખૂબ જ એક્સાઇટેડ છે.

English summary
Govinda, who bothered his onscreen father by mischief, now be first time father on screen. "Jagga Jasoos" will bring together 1990s hit star Govinda, and Ranbir Kapoor together on the screen as father-son and Ranbir is quite excited to see "Hero No. 1" as his on-screen dad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X