સર્કિટ પરેશાન : ભાઈ... ભાઈ... યે ક્યા હો ગયા ?
મુંબઈ, 22 માર્ચ : સુપ્રીમ કોર્ટ દ્વારા મુન્નાભાઈને પાંચ વરસની સજા ફરમાવાતાં તેમના જોડીદાર સર્કિટ દુઃખી દુઃખી થઈ ગયાં છે. સુપ્રીમ કોર્ટે 1993ના મુંબઈ બૉમ્બ ધડાકાના કેસમાં ગઈકાલે મુન્નાભાઈ એટલે કે સંજય દત્તને 5 વરસની સજા ફરમાવી હતી.
મુન્નાભાઈ એમબીબીએસ તથા લગે રહો મુન્નાભાઈ ફિલ્મોમાં સંજય દત્ત સાથે સર્કિટનો રોલ કરી સફળ જોડી તરીકે જાણીતાં થયેલાં અરશદ વારસી સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી એટલા બધાં અવાક્ છે કે જાણે મનોમન મુન્નાભાઈને કહેતાં હોય : ભાઈ... ભાઈ... યે ક્યા હો ગયા?
સંજય દત્ત સાથે મુન્નાભાઈ સિરીઝમાં કામ કરી સર્કિટ તરીકે જાણીતાં થયેલાં અરશદ વારસીને સંજય દત્તના ખાસ જોડીદાર ગણવામાં આવે છે. એટલું જ નહીં અરશદ વારસી મુન્નાભાઈ સિરીઝની આગામી ફિલ્મ મુન્નાભાઈ ચલે દિલ્હીમાં પણ સંજય દત્ત સાથે સર્કિટની ભૂમિકા કરવાનાં છે, પરંતુ સંજય દત્તને જેલ થતાં ઘણું બધું ગુંચવાઈ પડ્યું છે.
અરશદ વારસીએ સંજય દત્તને સજા અંગે ટ્વિટ કર્યું : હું એકદમ લાગણીરહિત થઈ ગયો છું. મને નથી ખબર કે હું શું કહું? સંજય દત્ત ક્રિમિનલ નથી. આ ખૂબ જ કઠોર ચુકાદો છે.