For Daily Alerts
મુશ્કેલીમાં ક્રિશ 3, રાકેશ સામે વાર્તા ચોરીનો આરોપ
મુંબઈ, 29 ઑક્ટોબર : હૃતિક રોશનના ફૅન્સ માટે માઠા સમાચાર છે. ફૅન્સ રાકેશ રોશન દિગ્દર્શિત અને નિર્મિત ક્રિશ 3 ફિલ્મની રિલીઝનો આતુરતાપૂર્વક ઇંતેજાર કરી રહ્યાં છે, પરંતુ મધ્ય પ્રદેશના સાગર જિલ્લા ખાતે રહેતા ઉદય સિંહ રાજપૂતે મુંબઈ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે અને ક્રિશ 3ને પોતાની સ્ટોરી ગણાવી છે.
ઉદયની અરજીમાં રાકેશ રોશનને આરોપી ગણાવાયા છે અને કહેવાયું છે કે રાકેશ રોશન ખોટુ બોલી રહ્યાં છે અને ઉદયની વાર્તાને પોતાની લખેલી સ્ટોરી બતાવી રહ્યાં છે. ઉદયે દાવો કર્યો છે કે ક્રિશની સિક્વલની સ્ક્રિપ્ટ તેમણે જ ક્રિશ 2 નામે લખી હતી કે જેનું ક્રેડિટ રાકેશ રોશન તેમને નથી આપી રહ્યાં. ઉદયે કોર્ટ સમક્ષ માંગણી કરી છે અને જમાવ્યુ છે કે રાકેશ રોશન તેમને કમ્પન્સેશન તરીકે 2 કરોડ રુપિયા આપે અથવા કોર્ટ ફિલ્મની રિલીઝ સામે સ્ટે આપે.
ઉદય સિંહ રાજપૂતની આ અરજી અંગે રાકેશ રોશન તરફથી કોઈ નિવેદન નથી આવ્યું. ઉદયની અરજીથી ક્રિશ 3 ફિલ્મની રિલીઝ મુશ્કેલીમાં મુકાઈ શકે છે, કારણ કે ફિલ્મ 1લી નવેમ્બરના રોજ રિલીઝ માટે સમ્પૂર્ણપણે તૈયાર છે. ફિલ્મમાં હૃતિક રોશન અને પ્રિયંકા ચોપરા લીડ રોલ કરી રહ્યાં છે, તો વિવેક ઓબેરૉય તથા કંગના રાણાવત વિલન તરીકે છે. સંગીત રાજેશ રોશનનું છે.