પુણ્યતિથિ વિશેષઃ દર્દ એ દિલ.. દર્દ એ...જિગર... દિલ મેં...
સુરોના સરતાજ મોહમ્મદ રફીની આજે પુણ્યતિથિ છે. શહંશાહ એ તરન્નુમ તરીકે ઓળખાતા રફી સાહેબ આજે પણ લોકોના દિલોમાં જીવીત છે. હિન્દી સિનેમામાં આજ સુધી કોઇપણ એવો ગાયક નહીં હોય જે રફી સાહેબથી આગળ હોય. દરેક રફી સાહેબ જેવું બનવા માગે છે. આજે પણ આખા દેશમાં તેમણે ગાયેલા ગીતો પર લોકો ઝૂમી ઉઠે છે. સંગીતના તજજ્ઞો કહે છે કે, બૉલીવુડમાં ક્યારેક કે એલ સહગલ, પકંજ મલિક, કેસી ડે સહિતના ગાયકો પાસે શાસ્ત્રીય સંગીતની વિરાસત હતી, સંગીતની સમજ હતી, પરંતુ તેમની પાસે આવાજ નહોતી. જેને રફીએ પૂરી કરી.
વર્ષ 1952માં આવેલી ફિલ્મ 'બૈજૂ બાવરા'થી તેમણે પોતાની અલગ ઓળખ બનાવી. 1965માં પદ્મશ્રીથી નવાજાયેલા રફી સાહેબને છ વાર ફિલ્મફેર એવોર્ડ મળી ચૂક્યો છે. સંગીતના જાણકાર જણાવે છે કે, 'બૈજૂ બાવરા' ફિલ્મ બાદ રફી, નૌશાદના મનપસંદ ગાયક બની ગયા અને તેમણે નૌશાદની ફિલ્મમાં કુલ 149 ગીતો ગાયા, જેમાં 81 સિંગલ ગીત હતા.
ત્યારબાદ રફીએ પાછળ વળીને જોયું નથી અને હિન્દી ફિલ્મો જગતના મોટાભાગના સંગીતકારોએ તેમના જાદુઇ અવાજને પોતાની ધુનોમાં ઢાળ્યો. જેમાં શ્યામ સુંદર, હુસનલાલ ભગતરામ, ફિરોજ નિઝામી, રોશન લાલ નાગર, સી રામચંદ્ર રવિ, લક્ષ્મીકાંત પ્યારેરાલ, ઓપી નૈયર, શંકર જયકિશન, સચિન દેવ બર્મન, કલ્યાણજી આનંદજી વિગેરે સામેલ હતા. તો ચાલો તસવીરોમાં રફી સાહેબના હિટ ગીતોની ફિલ્મો અંગે માહિતી મેળવીએ.

પારસમણી
1963માં રજૂ થયેલી ફિલ્મનું નિર્દેશન બાબુભાઇ મિસ્ત્રીએ કહ્યું હતું. જે સિનમેટોગ્રાફીનો આધાર કહેવાતા હતા. આ ફિલ્મમાં માહીપાલ અને ગીતાંજલીમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મનું ગીત વો જબ યાદ આયે... બહુત યાદ આયે..ને લતા અને રફીએ ગાયું હતું. આ ગીત ઘણુ હિટ ગયું હતું.

પાકીઝા
કમલ અમરોહીની ફિલ્મ પાકીઝા જે મીના કુમારીની અંતિમ ફિલ્મ હતી, તેમાં પણ રફી અને લતાએ ગીતો ગાયા છે. તેમાનું એક ગીત ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો.. ઘણું હિટ રહ્યું હતું.

તેરે ઘર કે સામને
દેવ આનંદ અને નૂતનની ફિલ્મ તેરે ઘર કે સામનેનું નિર્દેશન દેવ આનંદના ભાઇ વિજય આનંદે કર્યું હતું. આ ફિલ્મનું ગીત એક ઘર બનાઉંગા તેરે ઘર કે સામને ઘણું હિટ રહ્યું હતું. જેને રફીએ અવાજ આપ્યો હતો.

સચ્ચા ઝૂઠા
મનમોહન દેસાઇ દ્વારા નિર્દેશિત ફિલ્મ સચ્ચા ઝૂઠામાં રાજેશ ખન્નાએ ડબલ રોલ કર્યો હતો. રાજેશ ખન્ના સાથે આ ફિલ્મમાં મુમતાઝે મુખ્ય ભૂમિકા નિભાવી હતી.

તાજ મહેલ
1963માં રજૂ થયેલી આ ફિલ્મમાં પ્રદીપ કુમાર, બીના રાય, વીના અને રહેમાને મુખ્ય ભૂમિકા નિભાવી હતી. ફિલ્મનું ગીત જો વાદા કિયા વો નિભાના પડેગા આજે પણ લોકોનું ફેવરીટ છે.

અભિમાન
અમિતાભ અને જયા બચ્ચનની આ ફિલ્મ ઘણી હિટ થઇ હતી અને તેના બધા ગીત ટોપ ગીતોમાના એક હતા. રફી અને લતા દ્વારા ગાવામાં આવેલું તેરી બિંદિયા રે ઘણું જ હિટ ગયું હતું.

દિલ તેરા દીવાના હે સનમ
દિલ તેરા દીવાના હે સનમનું ટાઇટલ સોંગ આજે પણ લોકો ગુનગુનાવે છે. રફી સાહેબના ગળાની ખનકને આ ગીતમાં શાનદાર રીતે સાંભળી શકાય છે.

કારવાં
કારવાં ફિલ્મના તમામ ગીતો આજે પણ લોકો વારંવાર સાંભળે છે. જેની પાછળનું કારણ રફી સાહેબનો જાદુઇ અવાજ છે.

અમર અકબર એન્થોની
ફિલ્મ અમર અકબર એન્થોનીનું શિરડી વાલે સાઇ બાબા.. વાળું ગીત આજે પણ એવરગ્રીન છે. તેના જેવું ભજન ના તો પહેલા કોઇએ ગાયું હતું કે ના તો આજે.

કર્જ
80ના દશકમાં જ્યારે કિશોર કુમાર, રફીને ટક્કર આપવા લાગ્યા હતા, ત્યારે ફિલ્મ કર્જનું હિટ સોંગ દર્દ એ દિલ ગાઇને રફી સાહેબે સાબિત કરી દીધું હતું કે અવાજ ક્યારેય ઘરડો થતો નથી, તે હંમેશા યુવાન રહે છે.