મહેશ બાબૂના જે નિવેદન પર મચ્યો છે હોબાળો તેના પર કંગના રનૌતે કહી આ મોટી વાત
મુંબઈઃ 'બૉલિવુડ મને અફૉર્ડ નથી કરી શકતુ...' આ નિવેદન આપીને વિવાદોમાં ઘેરાયેલા સાઉથ સુપરસ્ટાર મહેશ બાબૂના સમર્થનમાં હવે અભિનેત્રી કંગના રનૌત આવી છે. તેલુગુ સ્ટાર મહેશ બાબુના આ નિવેદનથી કંગના રનોત સંમત છે. કંગના રનૌતે કહ્યુ કે એ તો સાચુ છે કે બૉલિવુડ મહેશ બાબૂને અફૉર્ડ નથી કરી શકતુ. કંગનાએ આ નિવેદન દિલ્લીમાં પોતાની અપકમિંગ ફિલ્મ એક્શન થ્રીલક ધાકડના બીજા ટ્રેલર લૉન્ચ દરમિયાન આપ્યુ. મહેશ બાબૂના આ નિવેદન પર સુનીલ શેટ્ટીથી લઈને મહેશ ભટ્ટ સુધીના લોકોના નિવેદન આવી ચૂક્યા છે.

મહેશ બાબૂએ શું કહ્યુ - બૉલિવુડ મને અફૉર્ડ નથી કરી શકતુ...
મહેશ બાબૂ હાલમાં પોતાની ફિલ્મ 'સરકારી વારી પાતા'ના પ્રમોશનમાં બિઝી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન સુપર સ્ટાર મહેશને પૂછવામાં આવ્યુ કે કે તે હિંદિમાં ક્યારે ફિલ્મ કરશે. જેનો જવાબ આપીને મહેશ બાબૂએ કહ્યુ, 'મને ખબર નથી હું એરોગંટ(અભિમાની) લાગીશ. મને હિંદીમાંથી ઘણા બધા પ્રસ્તાવ મળ્યા પરંતુ સિમ્પલ વાત એ છે કે મને નથી લાગતુ કે બૉલિવુડ મને અફૉર્ડ કરી શકે છે. હું મારો સમય બરબાદ ના કરી શકુ. મને અહીં જે રીતે સમ્માન મળે છે. મને અહીં જે રીતનુ સ્ટારડમ મળે છે. મે ક્યારેય મારી ઈન્ડસ્ટ્રી છોડીને બીજામાં જવા વિશે નથી વિચાર્યુ.'

મહેશ બાબૂના નિવેદન પર કંગનાએ કહ્યુ - 'એ તો એમણે સાચુ કહ્યુ...'
ધાકડના બીજા ટ્રેલર લૉન્ચ દરમિયાન કંગના રનૌતને તેલુગુ સ્ટાર મહેશ બાબુની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યુ હતુ. કંગનાએ કહ્યુ, 'તેમણે (મહેશ બાબુ) સાચુ કહ્યુ. હું તેમની સાથે સંમત છું.' કંગનાએ વધુમાં કહ્યુ, 'હું એ હકીકત જાણું છુ કે તેમને (મહેશ બાબુ)ને અલગ-અલગ ફિલ્મ નિર્માતાઓ તરફથી ઘણી ઑફર્સ મળે છે. તેમની પેઢીના કલાકારોએ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ભારતમાં નંબર વન ફિલ્મ ઈન્ડસ્ટ્રી બનાવી છે. તેથી બૉલિવૂડને તેઓ ચોક્કસપણે પોસાય તેમ નથી.'

'તેલુગુ ઈન્ડસ્ટ્રીને થાળીમાં પીરસીને કંઈ મળ્યુ નથી'
કંગના રનૌતે મહેશ બાબુ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વખાણ કર્યા હતા. કંગના રનૌતે કહ્યુ, 'તેમણે (મહેશ બાબુ) પોતાની ઈન્ડસ્ટ્રી પ્રત્યે આદર દર્શાવ્યો છે અને તેને કોઈ નકારી શકે નહી. આપણે તે નકારી શકીએ નહી કે તેલુગુ ફિલ્મ ઉદ્યોગને થાળીમાં પીરસીને કંઈ મળ્યુ નથી. છેલ્લા 10-15 વર્ષોમાં તેમણે સખત મહેનત કરીને તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ પાછળ છોડી દીધી છે. આપણે તેમની પાસેથી જ શીખી શકીએ છીએ.'

મહેશ બાબૂએ પોતાના નિવેદન પર આપી હતી સફાઈ
નિવેદનથી વિવાદ ઉભો થયા પછી મહેશ બાબુએ સ્પષ્ટતા કરી હતી કે તેમનુ નિવેદન તેમના ફિલ્મ ઉદ્યોગ પ્રત્યેના તેમના પ્રેમનુ પ્રતિબિંબ છે. તેમણે કહ્યુ, 'હું હંમેશાથી તેલુગુ ફિલ્મો કરવા માંગતો હતો અને હું હંમેશા ઈચ્છુ છુ કે તેલુગુ ફિલ્મો દેશભરમાં સારો દેખાવ કરે. મને ભારપૂર્વક લાગે છે કે શા માટે આપણે આપણા ઉદ્યોગને પાછળ છોડીને બીજા ઉદ્યોગમાં જવું જોઈએ. હું ખૂબ જ ખુશ છુ કે અમારી ફિલ્મો ત્યાં (ઉત્તર ભારતમાં) પહોંચી રહી છે. અમારી ફિલ્મો ઓલ ઈન્ડિયા લેવલે સારુ કામ કરી રહી છે અને મારુ સપનું સાકાર થઈ રહ્યુ છે.

કંગનાએ હિંદી ભાષા વિવાદ પર પણ કહી આ વાત
કંગના રનૌતે રાષ્ટ્રભાષા હિન્દીની ચર્ચા પર પોતાનુ નિવેદન આપ્યું હતું. હાલમાં જ અજય દેવગન અને કિચ્ચા સુદીપ વચ્ચે હિન્દી ભાષાને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ પર કંગના રનૌતે કહ્યું, 'આ દેશમાં ઘણી ભાષાઓ છે અને કોઈ પણ ભાષા બીજી ભાષાથી કમ નથી. તેથી તમામ ભાષાઓનું સમાન રીતે સન્માન કરવુ જોઈએ.'

'જે રાજ્યમાં જાવ, ત્યાંની ભાષા જરુર શીખો'
કંગના રનૌતને લાગે છે કે જે લોકો જુદા જુદા રાજ્યોમાં જાય છે તેમણે તે રાજ્યની સંસ્કૃતિ અપનાવવી જોઈએ અને રાજ્યની ભાષા પણ શીખવી જોઈએ. કંગનાએ કહ્યું, 'જ્યારે તમે બીજા રાજ્યમાં જાઓ છો ત્યારે તમારે તે રાજ્યની ભાષા શીખવી જોઈએ. હું હિમાચલ (પ્રદેશ) થી મુંબઈ શિફ્ટ થઈ તેથી મેં મરાઠી શીખી. તેવી જ રીતે ઉત્તરના રાજ્યોમાં આવનાર કોઈપણ વ્યક્તિએ હિન્દી શીખવી જોઈએ અને રાજ્યની સંસ્કૃતિનુ સન્માન કરવું જોઈએ. આપણે આવી બધી બાબતોથી ઉપર ઉઠવું જોઈએ.'