કાશ્મીર યુનિવર્સિટીમાં ત્રિરંગાનો વિરોધ, હૈદરનું શૂટિંગ રદ્દ!
મુંબઈ, 25 નવેમ્બર : શેક્સપીયરના નાટક હૅમલેટ પર આધારિત ફિલ્મ હૈદરનું શૂટિંગ રવિવારે રદ્દ કરી દેવુ પડ્યું. ફિલ્મના શૂટિંગ દરમિયાન કાશ્મીર યુનિવર્સિટી ઉપર ત્રિરંગો ફરકાવવાનું દૃશ્ય શૂટ કરવાનુ હતું, પરંતુ વિદ્યાર્થીઓએ વિરોધ અને તોડફોડ કરતાં ફિલ્મનું શૂટિંગ રદ્દ કરી દેવુ પડ્યું.
મળતી માહિતી મુજબ રવિવારે સવારે કાશ્મીર યુનિવર્સિટીના નસીમ બાગ કાતે એક દૃશ્ય શૂટ કરવા માટે સૈન્ય શિબિરનું સેટ લગાવાયુ હતું. સખત સુરક્ષામાં પહોંચેલી ફિલ્મની યૂનિટે શૂટિંગ શરૂ કર્યું, ત્યારે યુનિવર્સિટી સંકુલ ખાતે આવેલ હૉસ્ટલ્સમાં રહેતા વિદ્યાર્થીઓ વિરોધ કરવા લાગ્યાં. દરમિયાન હાજર પોલીસ અધિકારીઓએ આ વિદ્યાર્થીઓને શાંત પાડી દીધાં. દરમિયાન ઇરફાન ખાને સિગરેટ જલાવી, તો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. ઇરફાને સિગરેટ બુઝાવી દીધી, પરંતુ શૂટિંગ દરમિયાન ત્રિરંગો ફરકાવાતા અને જયહિન્દનો નારા લગાવાતા વિદ્યાર્થીઓ ઉશ્કેરાઈ ગયી. વિદ્યાર્થીઓ ફિલ્મની યૂનિટ સાથે દલીલબાજી કરવા લાગ્યાં. દરમિયાન પોલીસે બે વિદ્યાર્થીઓની ધરપકડ કરતા વિદ્યાર્થીઓ વધુ ભડકી ઉઠ્યાં. વિદ્યાર્થીઓએ યૂનિટને ઘેરી લીધી અને ભારત વિરોધી તથા પાકિસ્તાન અને કાશ્મીરની આઝાદીના ટેકામાં નારા લગાવતા તોડફોડ કરવા લાગ્યાં. પોલીસે લાઠીચાર્જ કરી તમામ લોકોને ખસેડ્યાં અને યુનિટને સલામત બહાર કાઢી. તે પછી ફિલ્મનું શૂટિંગ રદ્દ કરી દેવામાં આવ્યું.