લતા મંગશકરના નિધન પર 2 દિવસનો રાષ્ટ્રીય શોક, અડધો ઝુકેલો રહેશે રાષ્ટ્રધ્વજ
નવી દિલ્લીઃ ભારતના સર્વોચ્ચ પુરસ્કાર 'ભારત રત્ન'થી સમ્માનિત ભારતની સ્વર કોકિલા લતા મંગેશકરના નિધન પર દેશમાં બે દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ આ બે દિવસ રાષ્ટ્રધ્વજ અડધો ઝુકેલો રહેશે. તેમના અંતિમ સંસ્કાર પૂરા રાજકીય સમ્માન સાથે થશે. આ દરમિયાન તેમના શબને તિરંગાથી લપેટવામાં આવશે અને સશસ્ત્ર સેનાના જવાન અંતિમ સંસ્કારમાં સલામી આપશે.
નોંધનીય છે કે ભારત રત્નથી સમ્માનિત કોઈ પણ વ્યક્તિના નિધનને અપૂર્ણીય ખોટ માનીને રાષ્ટ્રીય શોકની ઘોષણા કરવામાં આવે છે. પહેલા આ ઘોષણા માત્ર કેન્દ્ર સરકારની ભલામણ પર રાષ્ટ્રપતિ કરતા હતા પરંતુ હવે રાજ્ય સરકારો પણ રાજકીય શોકની ઘોષણા કરે છે. રાષ્ટ્રીય ધ્વજ સંહિતા મુજબ રાજકીય શોક દરમિયાન સંસદ, સચિવાલય, વિધાનસભા, અન્ય મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ભવનો કે સરકારી કાર્યાલયો પર લાગેલો ધ્વજ અડધો ઝૂકેલો રહે છે. વળી, દેશની બહાર સ્થિત ભારતીય દૂતાવાસો પર પણ રાષ્ટ્રધ્વજ અડધો ઝુકેલો રહે છે. રાષ્ટ્રીય શોક દરમિયાન કોઈ સરકારી કે ઔપચારિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવતુ નથી.
તમને જણાવી દઈએ કે લતા મંગેશકરનુ આજે સવારે 92 વર્ષની વયે નિધન થઈ ગયુ. છેલ્લા એક મહિનાથી તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં ભરતી હતા. તેમના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ અને ટ્વિટર પર લખ્યુ કે, 'હું પોતાની પીડા શબ્દોમાં વર્ણવી નથી શકતો. દયાળુ લતા દીદી આપણને છોડીને જતા રહ્યા છે. તેઓ આપણા દેશમાં એક ખાલીપણુ છોડી ગયા છે જેને ભરી ન શકાય. આવનારી પેઢીઓ તેમને ભારતીય સંસ્કૃતિના એક દિગ્ગજ તરીકે યાદ રાખશે જેમના સુરીલા અવાજમાં લોકોને મંત્રમુગ્ધ કરવાની અદભૂત ક્ષમતા હતી.'