લતા-મોદી ફરી સાથે : એક લાખ લોકો ગાશે ઐ મેરે વતન કે લોગોં...
મુંબઈ, 16 જાન્યુઆરી : મુંબઈમાં આગામી 27મી જાન્યુઆરીએ સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરના પ્રસિદ્ધ દેશભક્તિ ગીત ઐ મેરે વતન કે લોગોં....ના સુવર્ણ જયંતી સમારંભમાં 1 લાખ લોકો આ ગીત એક સુરમાં ગાશે. 27મી જાન્યુઆરીના દિવસે આ ગીતની રચનાને પૂરા એકાવન વર્ષ થશે.
મુંબઈના મહાલક્ષ્મી રેસકોર્સમાં યોજાનાર આ કાર્યક્રમનું આયોજન શહીદ ગૌરવ સમિતિ (એસજીએસ) દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમમાં 27મી જાન્યુઆરી, 1963ના રોજ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નહેરૂની હાજરીમાં પહેલી વાર ઐ મેરે વતન કે લોગોં... ગીત ગાનાર લતા મંગેશકર પણ હાજર રહેશે. તેમણે જ આ ગીત 1962ના ભારત-ચીન યુદ્ધમાં શહીદ થયેલ વીર સપૂતોની યાદમાં ગાયુ હતું.
આ કાર્યક્રમ દરમિયાન લતા મંગેશકર અને નરેન્દ્ર મોદી બીજી વાર એક મંચ ઉપર આવશે. અગાઉ જ્યારે લતા મંગેશકરે નરેન્દ્ર મોદી સાથેના એક કાર્યક્રમમાં તેમના વખાણ કર્યા હતાં અને કહ્યુ હતું કે તેઓ ઇચ્છે છે કે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બને, ત્યારે કોંગ્રેસ સહિતના વિરોધીઓએ લતાની ટીકા કરી હતી. લતા-મોદી આ કાર્યક્રમ દરમિયાન ફરી એક વાર એક મંચ ઉપર આવશે, ત્યારે રાજકીય હોબાળો થવાની પૂરી શક્યતા છે.
નોંધનીય છે કે ઐ મેરે વતન કે લોગોં... ગીત દિવંગત કવિ પ્રદીપે લખ્યુ હતું. એસજીએસ પ્રવક્તાએ જણાવ્યું કે સંગઠને વિવિધ યુદ્ધોમાં દેશની સરહદની સલામતીમાં શહીદ થનાર વીરોની યાદમાં 27મી જાન્યુઆરીને શ્રેષ્ઠ ભારત દિવસ તરીકે ઉજજવાનો પણ નિર્ણય કર્યો છે.