શિકારીઓને પદ્મ ઍવૉર્ડ આપે છે સરકાર : મેનકા ગાંધી
રાંચી, 5 ફેબ્રુઆરી : ભાજપના સાંસદ અને પ્રાણી સંરક્ષણ ક્ષેત્રે કાર્યરત્ મેનકા ગાંધીનું કહેવું છે કે જંગલી પ્રાણીઓ જેમ કે કાળિયારનો શિકાર કરનાર સેલિબ્રિટીને એક સામાન્ય માણસની સરખામણીમાં દસ ગણી સખત સજા આપવાની જોગવાઈ કરવી જોઇએ કે જેથી કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય કરવાનો સાહસ ન કરી શકે.
મેનકાએ આ નિવેદન તે ઘટના સંદર્ભે આપ્યું કે જેમાં ફિલ્મ કલાકારો સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે તથા નીલમ સામે કાળિયારના શિકારનો આરોપ છે અને તે અંગેની સુનાવણી ગઈકાલે ન થઈ શકતાં હવે 23મી માર્ચના રોજ થશે. મેનકાએ સરકારનો વિરોધ કરતાં જણાવ્યું કે સરકાર એવા લોકોને પદ્મ ઍવૉર્ડ આપી દે છે કે જેમની સામે ગંભીર આરોપો છે.
નોંધનીય છે કે કાળિયાર શિકાર પ્રકરણમાં આરોપી એવા અનેક સ્ટાર્સને પદ્મ ઍવૉર્ડ અપાયાં છે. મેનકા ગાંધીએ આ અંગે પણ વિરોધ કર્યો છે કે અનેક વખત પ્રાણીઓમાંથી વધુ દૂધ પામવા માટે તેમને ઑક્સીટોસીન ઇંજેક્શન અપાય છે. તેનાથી પ્રાણીઓ શારીરિક રીતે નબળા તો પડે જ છે, સાથે જ તેવું દૂધ પીતા કૅંસર થવાનો ભય વધી જાય છે. મેનકાનું કહેવું છે કે પ્રાણી સંરક્ષણ સુનિશ્ચિત કરવા સરકારે સખત પગલાં ભરવા જોઇએ કે જેથી લોકો માટે આકર્ષણના કેન્દ્ર સમા આ જંગલી પ્રાણીઓને કોઈ મારી ન શકે.