રજનીકાંતની ફિલ્મ ‘કાલા' પર પ્રતિબંધ, સમર્થનમાં પ્રકાશ રાજ
સાઉથની ફિલ્મોના દિગ્ગજ અભિનેતા રજનીકાંતની ફિલ્મ 'કાલા' પર પ્રતિબંધ લાદવા પર અભિનેતા પ્રકાશ રાજ ખુલીને સામે આવ્યા છે. પ્રકાશ રાજે ટ્વિટ કરીને પોતાની વાત કહી છે. તેમનું કહેવું છે કે ફિલ્મ 'કાલા' ને કાવેરી જળ વિવાદ સાથે કોઈ લેવા દેવા નથી. તો પછી ફિલ્મને આની સાથે કેમ જોડવામાં આવે છે? ફિલ્મ ઈન્ડસ્ટ્રીને જ કેમ હંમેશા નિશાન બનાવવામાં આવે છે?
પ્રકાશ રાજે પ્રદેશ સરકારને સવાલ કર્યો કે તે 'કાલા' સાથે પણ એવુ જ કરશે જેવુ પદ્માવત સાથે કરવામાં આવ્યુ હતુ. અભિનેતાએ કહ્યુ કે કાયદો વ્યવસ્થાની જવાબદારી સરકારની છે અને રાજ્ય સરકાર લોકોને કાયદો વ્યવસ્થા પોતાના હાથમાં લેવા દેશે? તેમણે કહ્યુ કે તમે વિરોધ કરી શકો પરંતુ ફિલ્મની રીલિઝ ના રોકી શકો.
તેમણે કહ્યુ કે તણાવને જોતા વિતરક ફિલ્મની રિલીઝથી પાછળ હટી રહ્યા છે. જો આવો કોઈ વિવાદ થાય તો અસામાજિક તત્વો કાયદો હાથમાં લેવાની કોશિશ કરે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી રાજ્ય અને કેન્દ્ર સરકારની છે. તમને જણાવી દઈએ કે રજનીકાંતની ફિલ્મ 'કાલા' 7 જૂને રિલીઝ થવાની છે. રજનીકાંતની ફિલ્મો પ્રત્યે દક્ષિણ ભારતમાં ગજબની દિવાનગી જોવા મળે છે. તેવામાં ફિલ્મની રિલીઝનો કોઈ પણ વિવાદ રાજ્ય સરકારની મુશ્કેલી વધારી શકે છે.