અજમલ કસાબને ભાંડતાં થઈ ગયાં દર્શકો
મુંબઈ, 2 ફેબ્રુઆરી : રામ ગોપાલ વર્માની ગઈકાલે રિલીઝ થયેલ ધ ઍટૅક્સ ઑફ 26/11 ફિલ્મ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. લોકોનું કહેવું છે કે રામ ગોપાલ વર્માની આ ફિલ્મ બહેતરીન છે. રામૂએ ખૂબ જ સરસ કામ કર્યું છે. ધ ઍટૅક્સ ઑફ 26/11 ફિલ્મમાં નાના પાટેકર તથા સંજીવ જયસવાલ મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મની વાર્તા 2008માં મુંબઈમાં થયેલ આતંકવાદી હુમલા પર આધારિત છે. 26મી નવેમ્બર, 2008 એક એવો દિવસ હતો કે જે દિવસે આખો દેશ હચમચી ઉઠ્યો હતો. આજે પણ આ દિવસ યાદ કરી મુંબઈ શહેર ધ્રુજી ઉઠે છે. આ જ દિવસે કેટલાંક પાકિસ્તાની આતંકવાદીઓએ દરિયાઈ માર્ગે ભારતમાં આવી મુંબઈ શહેરમાં આતંકવાદી હુમલો કર્યો હતો કે જેમાં અનેક લોકોના મોત થયા હતાં અને અનેક લોકો ગંભીર રીતે ઘવાયા હતાં. આ ઘટનાના પાંચ વર્ષ બાદ બૉલીવુડ દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ આ બનાવ પર આધારિત એક ફિલ્મનું નિર્માણ કર્યું છે.
ધ ઍટૅક્સ ઑફ 26/11 ફિલ્મ જોઈ થિયેટરમાંથી નિકળતાં લોકો આતંકવાદી અજમલ કસાબને ખૂબ ગાળો ભાંડી રહ્યાં છે. લોકોએ આ ફિલ્મ અંગે ટ્વિટર ઉપર ખૂબ જ સરસ ટ્વિટ્સ કર્યાં છે. અમુક દર્શકોએ તો અહીં સુધી જણાવ્યું કે આ ફિલ્મ જોયા બાદ તેઓ અજમલ કસાબને ગાળ આપતાં પોતાની જાતને રોકી ન શક્યાં. દેવેન્દ્ર પાઈએ લખ્યું - મારા સિંગલ સ્ક્રીન થિયેટરમાં જ્યારે પોલીસે ફિલ્મમાં કસાબને પકડ્યો, ત્યારે લોકો કસાબને ગાળ આપતા હતાં. થિયેટરમાં બેઠેલા લોકોનો ગુસ્સો સ્પષ્ટ વરતાતો હતો.
સમ્રાટ નામના એક દર્શકે લખ્યું - રામ ગોપાલ વર્માએ ખૂબ જ ખૂબીપૂર્વક ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. ફિલ્મ એકદમ વાસ્તવિકતાથી પરિપૂર્ણ છે. સરવાળે ઘણા વખત બાદ રામ ગોપાલ વર્માની ફિલ્મને આટલા વખાણ મળી રહ્યાં છે. રામ ગોપાલ વર્માએ મુંબઈમાં પાંચ વરસ અગાઉ થયેલ આતંકવાદી હુમલાને આટલી સરસ રીતે પડદા ઉપર ચિત્રિત કરી ગઝબનું કામ કર્યું છે.