Review : જાસૂસી કરા લો જાસૂસી... બીવી કી... બેટી કી... બૉબી હૈ તૈયાર...
બૅનર : બૉર્ન ફ્રી એંટરટેનમેંટ, રિલાયંસ એંટરટેનમેંટ
નિર્માતા : દીયા મિર્ઝા, સાહિલ સંઘા
દિગ્દર્શક : સમર શેખ
સંગીત : શાંતનુ મોઇત્રા
કલાકાર : વિદ્યા બાલન, અલી ફઝલ, કિરણ કુમાર, અરજન બાજવા, સુપ્રિયા પાઠક, રાજેન્દ્ર ગુપ્તા, તન્વી આઝમી, ઝરીના વહાબ
રેટિંગ : ****
વિદ્યા બાલનની બૉબી જાસૂસ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. લોકોને ઘણા સમયથી આ ફિલ્મનો ઇંતેજાર હતો, કારણ કે ફિલ્મમાં પહેલી વાર કોઈ મહિલા જાસૂસને દર્શાવાઈ છે. વિદ્યા બાલનની વાત કરીએ, તો ફૅન્સની આશા મુજબ તેઓ પોતાના પાત્રને સારી રીતે ભજવે છે અને તે જોઈ લોકો આશ્ચર્યમાં મૂકાઈ જાય છે. બૉબી જાસૂસની સ્ટોરીની શરુઆત ખૂબ સારી છે અને પાત્રો દર્શકોને બાંધી રાખવામાં સફળ રહે છે, પણ જેમ-જેમ વાર્તા પોતાના અંત તરફ વધે છે, તેમ-તેમ ક્યાંકનેક ક્યાંક પાત્રોના હાથમાંથી દર્શકોની દોરી છૂટતી લાગે છે.
વાર્તા : બૉબી જાસૂસની કહાણી શરૂ થાય છે હૈદરાબાદ શહેરથી. બિલકિસ અહમદ ઉર્ફે બૉબી (વિદ્યા બાલન) પોતાના પરિવાર સાથે રહે છે. બૉબી સાથે તેની બે બહેનો, તેના માતા-પિતા રહે છે. બૉબીને જાસૂસીનો શોખ છે અને તેના પિતાને બૉબીનું આમ મોડી રાત સુધી બહાર ફરતા રહેવું અને લોકોની જાસૂસી કરવી બિલ્કુલ પસંદ નથી, પણ બૉબીની માતા તેનો બહુ સપોર્ટ કરે છે. બૉબી પોતાના મહોલ્લાની આસપાસ રહેતા લોકો દ્વારા લાવવામાં આવેલ તેમના પરિવારો સાથે સંકળાયેલ કેસોની છાનબીન કરે છે અને સાથે જ એક મોટી ડિટેક્ટિવ કમ્પનીમાં નોકરી મેળવવા માટે પણ પ્રયત્ન કરતી રહે છે. એક દિવસ બૉબી પાસે એક યુવતીને શોધી કાઢવાનો કેસ આવે છે અને તે માટે તેને મોટી રકમ આપવામાં આવે છે. ઉપરાંત બૉબીને આવા જ બીજા કેસો પણ આવે છે અને તેને સારી એવી રકમ આપવામાં આવે છે, પરંતુ એક દિવસ બૉબીને લાગે છે કે ક્યાંક તે કંઇક ખોટુ તો નથી કરી રહી? આવો અહેસાસ થતા જ બૉબીની આખી દુનિયા બદલાઈ જાય છે. દરમિયાન બૉબીની વહારે આવે છે તસવ્વુર (અલી ફઝલ). આ કેસ બૉબીની જિંદગીને સમ્પૂર્ણપણે બદલાઈ જાય છે. હવે બૉબીના જીવનમાં શું પરિવર્તનો આવે છે? તે જાણવા માટે જરૂર જુઓ બૉબી જાસૂસ.
ચાલો હાલ તો આપને બતાવીએ બૉબી જાસૂસ જોવાના 5 કારણો :

વાર્તા
બૉબી જાસૂની વાર્તા ખૂબ જ મનોરંજક છે. વચ્ચે-વચ્ચે કદાચ આપને કંઇક બોઝારૂપ પળો પણ લાગશે, પરંતુ ફિલ્મમાં ઉમેરાયેલ કૉમેડી પળો દર્શકોને બોર નહીં થવા દે.

અભિનય
જે ફિલ્મમાં વિદ્યા બાલન જેવા અભિનેત્રી હોય, તેના પ્રત્યે લોકોની આશાઓ વધી જાય. બૉબી જાસૂસ પાસે પણ લોકોની જે આશાઓ છે, તે ચોક્કસ ફળીભૂત થાય છે. કારણ કે વિદ્યાએ હંમેશની જેમ સારું પ્રદર્શન કર્યું છે.

દિગ્દર્શન
સમર શેખે પોતાની તરફથી ફિલ્મમાં જાસૂસો સાથે જોડાયેલ દરેક નાની-નાની માહિતી ઉમેરવાની સમ્પૂર્ણ કોશિશ કરી છે. વિદ્યાનું પાત્ર પણ પોતાની જાતે કમ્પ્લીટ છે. જોકે ફિલ્મનો અંત થોડોક વધુ રસપ્રદ બનાવી શકાત.

સંગીત
બૉબી જાસૂસનું સંગીત કંઈ ખાસ નથી. ફિલ્મમાં ગીતોની તો જરૂર જ નથી અનુભવાતી. ગીતના બોલ પણ એવા નથી કે જીભે ચઢી જાય. આમ સંગીતની બાબતમાં બૉબી જાસૂસ થોડીક ઢીલી ફિલ્મ કહી શકાય.

જોવી કે નહીં?
વિદ્યા બાલનની બહેતરીન અદાકારીના હિસાબે બૉબી જાસૂસ એક સારી ફિલ્મ છે. જોકે ફિલ્મને વિદ્યાની અગાઉની ફિલ્મો સાથે સરખાવી ન શકાય, પણ વિદ્યાના ફૅન્સ માટે આ એક સારી ફિલ્મ છે. તેથી એક વાર તો આ ફિલ્મ જોવી જ રહી.