MovieReview:રાજપૂતોની શાન, ખીલજીના ઝનૂનની કથા છે 'પદ્માવત'
ફિલ્મ: પદ્માવત
સ્ટારકાસ્ટ: દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર, રણવીર સિંહ, જિમ સાર્ભ, અદિતિ રાવ હૈદરી, રાજા મુરાદ, અનુપ્રિયા ગોયનકા
ડાયરેક્ટર: સંજય લીલા ભણસાલી
પ્રોડ્યૂસર: સંજય લીલા ભણસાલી
લેખક: સંજય લીલા ભણસાલી, પ્રકાશ કાપડિયા
શું છે ખાસ? સેટ ડિઝાઇન, સિનેમેટોગ્રાફી, બેકગ્રાઉન્ડ સ્કોર, શાનદાર એક્ટિંગ, ક્લાઇમેક્સ
શું છે બકવાસ? ફિલ્મની લંબાઇ અને ધીમી પટકથા

પ્લોટ
આ ફિલ્મની વાર્તા ઝનૂન અને જિદ્દથી ભરેલી છે. ફિલ્મની શરૂઆત થાય છે જલાલુદ્દીન ખીલજી(રઝા મુરાદ)ની બેઠકથી, જ્યાં દિલ્હીમાં રાજ જમાવવાની યોજના ઘડી રહ્યો છે. ત્યાં બેઠકમાં આગમન થાય છે જલાલુદ્દીનના ભત્રીજા અલાઉદ્દીન ખીલજી(રણવીર સિંહ)નું. દુનિયાની દરેક કિંમતી વસ્તુ મેળવવાની ચાહના ધરાવતો અલાઉદ્દીન પોતાના કાકા પાસે તેમની દિકરી મહરૂનિસા(અદિતિ રાવ હૈદરી)નો હાથ માંગે છે. એક બાજુ લગ્ન થાય છે અને બીજી બાજુ અલાઉદ્દીનની ક્રૂરતા વધતી જાય છે. તે પોતાના જ કાકાની હત્યા કરી રાજગાદીએ બેસે છે.
બીજી બાજુ મેવાડના રાજ મહારાવલ રતમ સિંહ(શાહિદ કપૂર) સિંઘલ દેશની મુલાકાતે જાય છે, જ્યાં રાજકુમારી પદ્મિણી(દીપિકા પાદુકોણ) સાથે તેમને પહેલી જ નજરે પ્રેમ થાય છે. મહારાવલ પદ્માવતી સાથે લગ્ન કરી મેવાડ પરત ફરે છે. મેવાડમાં રતમ સિંહના રાજ પુરોહિત રાઘવ ચેતનને એક ગુનાની સજારૂપે દેશ બહાર કરવામાં આવે છે અને તે અપમાનથી ડઘાઇને અલાઉદ્દીન ખીલજીના દ્વારે જઇ ચડે છે. અલાઉદ્દીન સામે તે રાણી પદ્માવતીની અલૌકિક સુંદર વિશે વાત કરે છે. અલાઉદ્દીન ખીલજી રાણી પદ્માવતીને મેળવવા માટે મેવાડ પર હુમલો કરે છે અને જ્યારે યુદ્ધમાં તે નથી ફાવતો ત્યારે તે રતન સિંહને બંધક બનાવી દિલ્હી લઇ જાય છે. તે મેવાડ સામે શરત મુકે છે કે, રાણી પદ્માવતી સાથે એક મુલાકાત કર્યા બાદ જ તે રાજાને મુક્ત કરશે. ત્યાર બાદ ફિલ્મમાં રાણી પદ્માવતીની રાજનેતિક સૂઝબૂઝ સાથે વાર્તા આગળ વધારવામાં આવી છે. ફિલ્મનો ક્લાઇમેક્સ ઘણો રસપ્રદ છે અને એ માટે ફિલ્મ જોવી જ રહી!

ડાયરેક્શન
સંજય લીલા ભણસાલીની જૂની ફિલ્મો જોઇ હોય તે આ ફિલ્મમાં તમને વાર્તા સિવાય બીજું કંઇ નવું જોવા નહીં મળે. ફિલ્મની પટકથા થોડી વધુ સારી લખી શકાઇ હોત. પાત્રોના વિશ્લેષણ પણ ક્યાંક અધૂરી લાગે છે. જિમ સાર્ભને પોતાની પ્રતિભા દર્શાવવાની તક મળતા-મળતા રહી જાય છે. ફિલ્મમાં રાજપૂતોની આન, બાન અને શાનના ભરપૂર વખાણ કરવામાં આવ્યા છે. ત્રણ કલાક લાંબી આ ફિલ્મમાં પણ એક પણ પાત્ર સાથે દર્શકો કનેક્ટ નથી થઇ શકતા. ફિલ્મનો ફર્સ્ટ હાફ થોડી વાર ઝડપથી આગળ વધે છે અને પછી વાર્તા સ્થિર થઇ જાય છે. ફિલ્મનો સેકન્ડ હાફ અસરદાર છે. રણભૂમિના સિન ખૂબ અદ્ભૂત છે. રાણી પદ્માવતી સહિત મેવાડની તમામ મહિલાઓ જ્યારે જોહર સ્વીકારે છે, એ સિનમાં ખરેખર શ્વાસ થંભી જાય છે. આ સિનમાં બેકગ્રાઉન્ડ મ્યૂઝિક પણ ખૂબ અસર ઉપજાવે છે.

એક્ટિંગ
ફિલ્મના ત્રણેય મુખ્ય પાત્રોને પોતાની એક્ટિંગ સ્કિલ દેખાડવાનો પૂરતો ચાન્સ મળ્યો છે. રાણી પદ્માવતીના પાત્રમાં દીપિકા એક સશક્ત, સુંદર અને જાજરમાન રાણી તરીકે ખીલી ઉઠે છે. શાલીન અને કઠોર રાજા મહારાવલ રતન સિંહ તરીકે શાહિદ કપૂરે પણ સારી એક્ટિંગ કરી છે. પરંતુ આ સમગ્ર ફિલ્મ જેની આસપાસ ફરી રહી છે એ છે રણવીર સિંહ. અલાઉદ્દીન ખીલજીના પાત્રમાં તેણે જીવ રેડ્યો છે, આ પાત્રને પડદા પર જીવંત કરવામાં તેણે કોઇ કસર નથી રાખી. જો કે, કેટલાક ડાયલોગ્સમાં થોડી વધારે અસરકારકતા ઉપજાવવાની જરૂર હતી. અદિતિ રાવ હૈદરી, જિમ સાર્ભ, અનુપ્રિયા ગોયનકા, રઝા મુરાદ સૌએ પોતાના પાત્રો સાથે ન્યાય કર્યો છે.

ટેક્નિકલ આસ્પેક્ટ
સંજય લીલા ભણસાલીની દરેક ફિલ્મની માફક જ સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ મ્યૂઝિક શાનદાર છે. આ ફિલ્મ 3ડીમાં રજૂ થઇ છે 3ડીની ક્વોલિટી હજુ ઉત્તમ થઇ શકી હોત. થોડા શાર્પ એડિટિંગ સાથે ફિલ્મની લંબાઇ પણ થોડી ઓછી કરી શકાઇ હોત. સેટ ડિઝાઇનના મામલે તે શ્રેષ્ઠ બોલિવૂડ ફિલ્મોને ટક્કર આપે છે. ફિલ્મની પહેલી ફ્રેમથી લઇને છેલ્લી ફ્રેમ સુધી દરેક સિન પરફેક્ટ અને ભવ્ય છે.

સંગીત
ખામોશીથી લઇને બાજીરાવ મસ્તાની સુધી, સંજય લીલા ભણસાલીની દરેક ફિલ્મની જાન છે તેનું સંગીત. આ ફિલ્મનું સંગીત સંજય લીલા ભણસાલીએ આપ્યું છે. જો કે, આ ફિલ્મનું સંગીત તેમની જૂની ફિલ્મો જેટલી અસર ઉપજાવી નથી શક્યું. ઘૂમર અને એક દિલ એક જાન જેવા ગીતો લોકપ્રિયા થયા છે, પરંતુ ખલી બલી ગીત આ ફિલ્મમાં કેમ મુકવામાં આવ્યું એનો જવાબ સંજય લીલા ભણસાલી પાસે જ માંગવો પડે. ફિલ્મના અન્ય ગીતો કોઇ વિશેષ અસર ઉપજાવી શક્યા નથી.

ફિલ્મ જોવી કે નહીં?
સંજય લીલા ભણસાલીની ફિલ્મોના ફેન માટે આ ફિલ્મ Must Watch છે, ફિલ્મના દરેક સિનમાં ભવ્યતા ઝળકે છે. રણવીર, દીપિકા અને શાહિદની મહેનત અને શાનદાર અભિનય પણ દર્શકોને જકડી રાથે છે. ફિલ્મના દરેક સિન પાછળ મહેનત કરવામાં આવી છે એ પડદા પર એ મહેનત રંગ લાવે છે.