રિવ્યૂ : યુવાનોમાં કોઈ જોમ નથી ભરતો આ ‘સત્યાગ્રહ’!
મુંબઈ, 30 ઑગસ્ટ : પ્રકાશ ઝાની ફિલ્મ સત્યાગ્રહ આજે થિયેટરોમાં આવી ગઈ છે. ફિલ્મમાં અજય દેવગણ, મનોજ બાજપાઈ, અમિતાભ બચ્ચન, કરીના કપૂર, અમૃતા રાવ અને અર્જુન રામપાલ મુખ્ય ભૂમિકામાં છે.
પ્રકાશ ઝા અને ફિલ્મના કલાકારોએ જેવું જણાવ્યુ હતું, તેવું જ આ ફિલ્મ અણ્ણા હઝારે આંદોલન પર આધારિત નથી, પણ ફિલ્મ જોયા બાદ ક્યાંકને ક્યાંક એવું લાગ્યું કે ફિલ્મ બનાવતી વખતે અણ્ણા હઝારે મૂવમેંટ નિર્માતાઓના ખ્યાલમાં હતી, પરંતુ કદાચ ફિલ્મ બનાવતી વખતે વિવાદથી બચવા ફિલ્મમાં ઘણા ફેરફાર કરાયાં. જોકે આમ છતાં સત્યાગ્રહ ઉપર અણ્ણા હઝારે અને અરવિંદ કેજરીવાલની છાપ ઉપસી જ આવે છે. જ્યાં સુધી વાત છે ફિલ્મની સારાઈ-નરસાઈની, તો સત્યાગ્રહ ક્યાંકને ક્યાંક થોડીક બોરિંગ જરૂર લાગે છે. ફિલ્મમાં એવું પણ કંઈ નથી કે જે યંગ જનરેશનનો લોહી ગરમ કરી નાંખે અથવા તેમાં પરિવર્તનની ચિનગારી પેદા કરી દે.
વાર્તા : સત્યાગ્રહ એક પિતા દ્વારકા આનંદ (અમિતાભ બચ્ચન)ની વાર્તા છે કે જે પોતાના પુત્રને એક એક્સીડંટમાં ગુમાવી દે છે. દ્વારકા આનંદ એક ખૂબ જ પ્રામાણિક રિટાયર્ડ સ્કૂલ પ્રિંસિપાલ છે. તેઓ કોઈ પણ કામ માટે રુશ્વત કે લાંચ આપવામાં વિશ્વાસ નથી ધરાવતાં અને તેઓ પોતાની પાસે આવનારને પણ આવું કંઈ કરવા નથી દેતાં. તેમનો પુત્ર એક એંજીનિયર છે કે જે દેશ માટે કંઈક કરવા માંગે છે અને પ્રામાણિકતા સાથે દેશ માટે કેટલાંક સારા હાઈવે અને માર્ગો બનાવવા માંગે છે, પરંતુ રાજકારણના પગલે કેટલાંક એવા કૌભાંડો થાય છે કે જેથી તેનું કામ પ્રભાવિત થાય છે અને તેની સામે પ્રશ્નચિહ્ન ઊભા થઈ જાય છે. દરમિયાન તેને જાણ થાય છે કે કેટલાંક રાજકારણીઓ મળી આ કૌભાંડો આચરી રહ્યાં છે. આખરે તે એક ગુપ્ત ફાઇલ બનાવે છે અને તમામના કૌભાંડોનો ચિટ્ઠો સીએમને મોકલી આપે છે, પરંતુ તે ફાઇલ લીક થઈ જાય છે અને તેને હત્યાની ધમકીઓ મળવા લાગે છે. પછી એક દિવસ તેનું ખૂન કરી દેવામાં આવે છે અને તેને એક્સીડંટમાં ખપાવી દેવામાં આવે છે.
આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

દ્વારકા આનંદને સાથ આપતો માનવ
માનવ દ્વારકા આનંદના પુત્રનો બાળપણનો મિત્ર છે. પોતાના મિત્રના મોત બાદ માનવ પાછો આવે છે અને દ્વારકા આનંદની મદદ કરવાનો પ્રયત્ન કરે છે. સરકાર દ્વારકાના પુત્રના મોત બદલ પચ્ચીસ લાખ રુપિયા આપવાની જાહેરાત કરે છે, પણ તે પૈસા તેમને મળતા નથી, કારણ કે સરકારી ઑફિસોમાં વગર રુશ્વતે કોઈ કામ નથી થતું.

દ્વારકા આનંદનો કલેક્ટરને તમાચો
દ્વારકા આનંદ રોજ-રોજ સરકારી ઑફિસોના ચક્કર કાપી થાકી જાય છે અને અંતે કલેક્ટરને ઘણું બધું સંભળાવી તેને તમાચો મારી દે છે. તે પછી કલેક્ટર દ્વારકાને જેલમાં બંધ કરાવી દે છે. આ સાથે જ સમગ્ર શહેરમાં શરૂ થાય છે આંદોલન કે જે માનવ શરૂ કરાવે છે.

દ્વારકાજીનું આંદોલન
અંતે જ્યારે આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે, તો બલરામ સિંહ (મનોજ બાજપાઈ) કે જે તે એરિયાનો નેતા છે, તે પોતે આવી આંદોલન ખતમ કરાવવાનો પ્રયત્ન કરે છે અને દ્વારકાજીને જેલમાંથી બહાર કઢાવી 25 લાખ રુપિયાનો ચેક આપવાની ઑફર કરે છે, પરંતુ દ્વારકાજી કહે છે કે આ ચેક તેઓ ત્યાં સુધી નહીં લે, જ્યાં સુધી તેમના જેવા જ લાખો લોકોને તેમના હકની રકમ નથી મળી જતી. આ માટે તેઓ સરકારને 30 દિવસનો સમય આપે છે.

બલરામનું રાજકારણ
બલરામ દ્વારકાની ધમકીને હળવાશથી લે છે અને કહેછે કે સરકાર મુટ્ઠી ભર લોકો મુજબ નથી ચાલતી. તેઓ કોઈ પણ રીતે દ્વારકાનું આંદોલન તોડાવવાનો પ્રયત્ન કરે છે. અંતે આંદોલન સત્યાગ્રહમાં ફેરવાઈ જાય છે. દ્વારકા આમરણ અનશન ઉપર બેસી જાય છે અને રાજનેતાઓ પોતાનું રાજકારણ ખેલવા લાગે છે.

માનવના પ્રયત્નો
માનવ કોશિશ કરે છે કે તે દ્વારકાનું અનશન તોડાવી દે, પણ દ્વારકા ત્યાં સુધી અનશન નહીં તોડે કે જ્યાં સુધી સરકાર આવી તેમની માંગણીઓ પૂર્ણ ન કરી દે. અંતે આ સત્યાગ્રહ એક એવુ રૂપ ધારણ કરી લે છે કે લોકો હિંસા ઉપર ઉતરી આવે છે અને રાજકારણીઓ પણ આ સત્યાગ્રહ તોડાવવા માટે અને પોતાની ખુરશી બચાવવા માટે મર્યાદા ઓળંગી જાય છે.

સફળ થશે સત્યાગ્રહ?
હવે દ્વારકાજી દ્વારા શરૂ કરાયેલ સત્યાગ્રહ સફળ થશે અને સરકારમાં પેસેલું ભ્રષ્ટાચાર સુધરશે? આ જાણવા માટે થિયેટરે જવું પડશે, પણ બૉક્સ ઑફિસે ફિલ્મની સફળતાની વાત કરીએ, તો ફિલ્મનું દિગ્દર્શન એટલું ઢીલું છે કે શક્ય છે કે લોકોને આ ફિલ્મ કંઈક વધારે જ કંટાળાજનક લાગે. જોકે મનોજ બાજપાઈએ આખી ફિલ્મ પોતાના ખભે ઉપાડી હોય તેવું લાગે છે. તેમની ઉપર જ ફિલ્મની આશાઓ ટકેલી લાગે છે.