'ટ્યૂબલાઇટ'ના ડિસ્ટ્રીબ્યૂટર્સને મોટી ખોટ, સલમાન કરશે ભરપાઇ
સલમાન ખાનની લેટેસ્ટ ફિલ્મ 'ટ્યૂબલાઇટ' અંગે લોકો ખૂબ ઉત્સાહી હતી, પરંતુ ફિલ્મ બોક્સઓફિસ પર ખૂબ ખરાબ રીતે પછડાઇ છે. સલમાન ખાનના ફેન્સને પણ ફિલ્મ ખાસ પસંદ નથી આવી. લોકોને લાગી રહ્યું હતું કે, સલમાનની આ ફિલ્મ 'બાહુબલી' અને 'દંગલ'ના રેકોર્ડ્સ તોડશે. પરંતુ ધમાકેદાર પ્રમોશન અને સલમાનની પોપ્યુલારિટી છતાં આ ફિલ્મ સુપરફ્લોપ સાબિત થઇ છે અને ફિલ્મના ડિસ્ટ્રીબ્યુટર્સને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

ડિસ્ટ્રીબ્યૂટર્સના નુકસાનની ભરપાઇ કરશે સલમાન
'ટ્યૂબલાઇટ' ફિલ્મ અંગે માર્કેટમાં એટલી હાઇપ ક્રિએટ થઇ હતી કે ફિલ્મના રાઇટ્સ પણ ખૂબ ઉંચા ભાવે વેચાયા હતા. આથી જ, ફિલ્મ સુપરફ્લોપ જતાં ડિસ્ટ્રીબ્યૂટર્સને સામાન્ય કરતાં વધુ નુકસાન ભોગવવું પડ્યું છે, જેનો ખ્યાલ સલમાનને પણ છે. આથી જ તેમણે ડિસ્ટ્રીબ્યૂટર્સના નુકસાનની ભરપાઇ કરવા માટે તેમને 55 કરોડ રૂપિયા આપવાનું નક્કી કર્યું છે.

સલીમ ખાનને મળશે ડિસ્ટ્રીબ્યૂટર્સ
બોલિવૂડ લાઇફના અહેવાલો અનુસાર, શુક્રવારે ડિસ્ટ્રીબ્યૂટર્સ અને સલીમ ખાનની મીટિંગ થનાર છે, જેમાં તેઓ આ અંગે ચર્ચા કરશે. સલીમ ખાન અને સલમાન ખાને મળીને ડિસ્ટ્રીબ્યૂટર્સને 50-55 કરોડ પાછા આપવાનો નિર્ણય કર્યો છે, જેથી તેમને વધારે ખોટ ન ભોગવવી પડે.

ડિસ્ટ્રીબ્યૂટરનું નિવેદન
એક પ્રમુખ અખબાર સાથે વાત કરતાં ડિસ્ટ્રીબ્યૂટરે જણાવ્યું હતું કે, મોટા ભાગે સલમાન ખાનની ફિલ્મ ત્રણ દિવસની અંદર 100 કરોડ કે એથી વધુની કમાણી કરી લે છે. પરંતુ આ વખતે એવું નથી થયું. એક અઠવાડિયા પછી માંડ 'ટ્યૂબલાઇટ'ની કમાણી ત્રણ આંકડાની સંખ્યા વટાવી શકી છે. ખાસ કરીને સિંગલ સ્ક્રિન થિયેટરને ભારે નુકસાન થયું છે. આ ફિલ્મને પરિણામે ડિસ્ટ્રૂબ્યૂટર્સને કુલ 40-50 કરોડની નુકસાન થયું છે.

સલમાન ખાનનો નિરાળો છે અંદાજ
બોલિવૂડમાં સલમાન ખાનનો અંદાજ આમ પણ સૌથી નિરાળો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સલમાનની કોઇ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ નથી ગઇ. હવે જ્યારે સલમાનની ફિલ્મના હાલ બેહાલ થયા છે, ત્યારે પણ સલમાને પોતાના કાઇન્ડ જેશ્ચર દ્વારા સૌનું મન જીતી લીધું છે. એટલે જ કદાચ તે ઇન્ડસ્ટ્રીના ભાઇજાન કહેવાય છે.