
આજે બોલિવૂડમાં જાણીતા બનેલા આ એક્ટર ક્યારેક દેશની સેવા કરતા હતા
બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર છે જે અચાનક બોલિવૂડ સુધી પહોંચી ગયા છે. આ બોલિવૂડ અભિનેતાઓ જીવનમાં ક્યારેક બીજા કામ કરતા હતા અને પછી બોલિવૂડમાં સફળતા મેળવી. આજે આપણે બોલિવૂડના જ કેટલાક એવા અભિનેતાઓ સાથે વાત કરવાના છીએ, જે બોલિવૂડમાં આવ્યા પહેલા દેશની સેવામાં ફરજ બજાવી રહ્યા હતા.

આનંદ બક્ષી
બહુ ઓછા લોકોને ખબર હશે કે ગીતકાર આનંદ બક્ષી પણ ક્યારેક સેનામાં નોકરી કરતા હતા. બોલિવૂડમાં આવ્યા પહેલા આનંદ બક્ષી 1944માં રોયલ ઈન્ડિયન નેવીમાં જોડાયા હતા. જો કે ભાગલા બાદ તેમનો પરિવાર ભારત આવી ગયો. ત્યારબાદ બક્ષી સેનામાં જોડાયા અને 1956 સુધી દેશની સેવા કરી. ખૂબ જ નાની ઉંમરથી કવિતા લખવાનું શરૂ કરનાર બક્ષી ભારતીય સેના સાથે સંબંધિત લશ્કરી કાર્યક્રમોમાં તેમના ગીતોનો ઉપયોગ કરતા હતા.

રુદ્રાશિષ મજમુદાર
છિછોરે, હવા સિંહ, મિસિસ અંડરકવર અને જર્સી જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળેલા રુદ્રાશિષ મજમુદાર ભારતીય સેનામાં પણ જોડાયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી અને ઈન્ડિયન મિલિટરી એકેડમી દહેરાદૂનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. મઝુમદાર 2011માં ફોર્સમાં જોડાયા હતા અને 2018માં મેજર તરીકે નિવૃત્ત થયા હતા. હાલમાં જ તે શાહિદ કપૂર સાથે ફિલ્મ જર્સીમાં જોવા મળ્યા હતા.

ગુફી પટેલ
બોલિવૂડના સિનિયર કલાકારોમાં સામેલ ગુફી પટેલની એક અલગ ઓળખ છે. ગુફી પટેલે ફિલ્મો અને ટીવી સિરિયલોમાં ઘણા નોંધપાત્ર પાત્રો ભજવ્યા છે. તેણે બીઆર ચોપરાના મહાભારતમાં શકુનીનું પાત્ર ભજવીને જાણીતા બનેલા ગુફી પટેલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું અને તે સમયે કોલેજમાંથી સીધી ભરતી શરૂ થઈ હતી. ગુફી હંમેશા આર્મીમાં જોડાવા માંગતા હતા. તેમણે તકનો લાભ લીધો અને ચીન સરહદ પર આર્મી આર્ટિલરીમાં સામેલ થઈ ગયા હતા.

બિક્રમજીત કંવરપાલ
પેજ 3, 2 સ્ટેટ્સ અને 24 જેવી ફિલ્મો અને અદાલત સિરિયલમાં જોવા મળેલા બિક્રમજીત કંવરપાલનો જન્મ સૈન્ય પરિવારમાં થયો હતો અને શિક્ષણ પુરી કરીને 1989માં તેઓ ભારતીય સેનામાં જોડાયા હતા. 2002માં મેજર તરીકે સેનામાંથી નિવૃત્ત થયા પછી તેમણે 2003 માં અભિનય કરવાનું શરૂ કર્યું હતું.

રહેમાન
રહેમાન એક ભારતીય ફિલ્મ અભિનેતા હતા અને 1940 થી 1970 સુધી બોલિવૂડમાં કામ કરનારા રહેમાન તેમની શાનદાર અભિનય માટે જાણીતા છે. રહેમાન રોયલ ઈન્ડિયન એરફોર્સમાં પાયલોટ હતા. જો કે અભિનયની દુનિયામાં પોતાનું નસીબ અજમાવવા માટે તેમણે નોકરી છોડી દીધી અને લગભગ ત્રણ દાયકા સુધી ફિલ્મોમાં કામ કર્યુ.

મોહમ્મદ અલી શાહ
મોહમ્મદ અલી શાહ અભિનેતા નસીરુદ્દીન શાહના ભત્રીજા છે. તેમણે એજન્ટ વિનોદ, 'હૈદર અને યારા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવૂડમાં આવ્યા પહેલા તેમણે ભારતીય સેનામાં સેવા આપી હતી અને બે વર્ષ સુધી ભારત-પાક બોર્ડર પર તૈનાત હતા. ત્રણ વર્ષ સુધી ઉત્તરપૂર્વમાં આતંકવાદ સામે પણ લડ્યા હતા.

અચ્યુત પોતદાર
3 ઈડિયટ્સમાં કહના ક્યા ચાહતે હો? ડાયલોગને લઈને જાણીતા બનેલા અચ્યુત પોતદાર બોલિવૂડમાં કરિયર શરૂ કરતા પહેલા મધ્યપ્રદેશના રીવામાં પ્રોફેસર હતા. ત્યારબાદ ભારતીય સેનામાં કેપ્ટન તરીકે દેશની સેવા કરી અને 1967માં નિવૃત્ત થયા. તેણે 44 વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી.