Sad News : સદાશિવ બાદ હવે પ્રસિદ્ધ કૉમેડિયન દેવેન વર્માનું નિધન
હિન્દી સિનેમામાં જ્યારે પણ પ્રસિદ્ધ હાસ્ય કલાકારોના નામો યાદ કરાશે, ત્યારે દેવેન વર્માનું નામ ચોક્કસ ગણવામાં આવશે. ચરિત્ર અભિનેતા તરીકે પોતાની ખાસ ઈમેજ બનાવનાર દેવેન વર્માનું આજે સવારે હૃદય રોગના હુમલાથી મોત થઈ ગયું. તેઓ 78 વર્ષના હતાં.
માત્ર અભિનય જ નહીં, પણ દેવેન વર્માએ અનેક ફિલ્મોનું દિગ્દર્શન અને નિર્માણ પણ કર્યું. તેમના પરિવારમાં પત્ની રૂપા ગાંગુલી છે કે જે સ્વર્ગસ્થ દિગ્ગજ અભિનેતા અશોક કુમારના સૌથી નાની પુત્રી છે.
Deven Verma - incredible actor, comic excellence second to none. Thank you for making my childhood so memorable. Will miss you sir- RIP
— Riteish Deshmukh (@Riteishd) December 2, 2014
દેવેન વર્માએ પુણે ખાતે પોતાના ઘરે મંગળવારે વહેલી સવારે બે વાગ્યે છેલ્લા શ્વાસ લીધાં. દેવેન વર્માનો ઉછેર પુણેમાં જ થયો અને તેમણે ત્યાંથી જ રાજકીય વિજ્ઞાન તથા સમાજ શાસ્ત્રમાં સ્નાતક કર્યું. પછી તેમણે ફિલ્મ જગતમાં ડગ માંડ્યાં કે જ્યાં તેમણે પોતાનો એક જુદો ખાસ મુકામ હાસલ કર્યો. દેવેન વર્માએ લગભગ 149 ફિલ્મોમાં કામ કર્યું.
દેવેને અનેક ફિલ્મોમાં પોતાની અસરકારક હાજરી નોંધાવી કે જેમાં અંગૂર, ચોરી મેરા કામ, અંદાઝ અપના અપના, બેમિસાલ, જુદાઈ, દિલ તો પાગલ હૈ તથા કોરા કાગજ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેમણે પોતાના બૉલીવુડ કૅરિયરની શરુઆત 1961માં યશ ચોપરા નિર્મિત ફિલ્મ ધર્મ પુત્ર વડે કરી હતી, પરંતુ અંગૂરમાં તેમના દ્વારા ભજવાયેલ પાત્ર આજે પણ લોકો યાદ કરે છે.
દેવેન વર્માને 1983માં અંગૂર, 1979માં ચોર કે ઘર ચોર અને 1976માં ચોરી મેરા કામ માટે ફિલ્મફૅર બેસ્ટ કૉમેડિયન ઍવૉર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતાં.