સંગીતકાર ખય્યામનું 93 વર્ષની વયે નિધન, 10 વર્ષની ઉંમરે છોડ્યુ હતુ ઘર
ભારતીય સિનેમાના દિગ્ગજ સંગીતકાર ખય્યામનું નિધન થઈ ગયુ છે. લાંબી બિમારી સામે ઝઝૂમી રહેલા ખય્યામે મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. 93 વર્ષના ખય્યામના નિધનના સમાચાર સાંભળતા જ બોલિવુડમાં શોકની લહેર દોડી ગઈ. તેમના મોતના સમાચાર સાંભળી બોલિવુડના સ્ટાર્સ અને સંગીત જગત સાથે જોડાયેલા લોકોએ શોક વ્યક્ત કર્યો.

ફિલ્મ જગતમાં ખય્યામના નામથી જાણીતા
ખય્યામનું આખુ નામ મોહમ્મદ જહૂર ખય્યામ હાશમી હતુ પરંતુ સંગીત અને બોલિવુડ જગતમાં તેમને ખય્યામના નામથી પ્રસિદ્ધિ મળી. તેમનો જન્મ અવિભાજીત પંજાબના નવાંશહરમાં 18 ફેબ્રુઆરી 1927માં થયો હતો. ઘણી વાર ઘરેથી ભાગીને ફિલ્મ જોવા જતા રહેતા હતા. તેમની આ આદતથી તેમના ઘરના લોકો કંટાળી ગયા હતા. માત્ર 10 વર્ષની ઉંમરમાં જ તેમણે પોતાનું ઘર છોડી દીધુ હતુ અને ફિલ્મોમાં નસીબ અજમાવવા માટે પોતાના કાકાના ઘરે દિલ્લી આવી ગયા.

સંગીતકાર નહિ અભિનેતા બનવા ઈચ્છતા હતા ખય્યામ
ખય્યામ જેમની મધુર ધૂનોએ લાખો લોકોને પોતાના દીવાના બનાવ્યા તે બાળપણમાં સંગીતકાર નહિ પરંતુ અભિનેતા બનવા ઈચ્છતા હતા. તેમણે નાની ઉંમરમાં જ ફિલ્મોમાં કામ કરવાની ધૂન પકડી લીધી અને પોતાનુ ઘર છોડીને કાકાના ઘરે દિલ્લી આવી ગયા. તેમના કાકાએ જ્યારે તેમની અંદર સંગીત અને અભિનય માટે રુચિ જોઈ તો તેમનો સંગીત સ્કૂલમાં પ્રવેશ કરાવ્યો. તેમને સંગીત શીખવાની અનુમતિ આપી. ખય્યામે સંગીતની પ્રારંભિક શિક્ષા પંડિત ઈમરાથ, પંડિત હુસ્નલાલ-ભગતરામ પાસેથી લીધી. આ દરમિયાન તેમની મુલાકાત પાકિસ્તાનના જાણીતા સંગીતકાર જીએસ ચિશ્તી સાથે થઈ જેમણે તેમની સંગીત ધૂનને સાંભળીને જ તેમને પોતાના સહાયક રાખી લીધી. ત્યારબાદ તેમણે ક્યારેય પાછુ વળીને જોયુ નથી.
આ પણ વાંચોઃ કાશ્મીરના બદલતા હાલાત વચ્ચે પાક. સરકારે સેના પ્રમુખ બાજવાનો કાર્યકાળ વધાર્યો

આ ફિલ્મોની ધૂને લોકોને બનાવ્યા દીવાના
તેમના કરિયરની શરૂઆત વર્ષ 1947માં થઈ. ખય્યામે પહેલી વાર ફિલ્મ ‘હીર રાંઝા'માં સંગીત આપ્યુ. આ ફિલ્મથી ભલે તેમણે બોલિવુડમાં એન્ટ્રી કરી પરંતુ તેમને ઓળખ મળી મોહમ્મદ રફીના હીત ‘અકેલેમે વહ ઘબરાતે તો હોંગે'. ત્યારબાદ તેમણે ફિલ્મ શોલા ઓર શબનમમાં સંગીત આપ્યુ જેને લોકોએ ખૂબ પસંદ કર્યુ. ખય્યામ અને સાહિરની જોડી બોલિવુડમાં જાણીતી થઈ ગઈ. તેમણે એકસાથે ઘણી ફિલ્મોમાં સંગીત આપ્યુ જેને લોકોએ ખૂબ પસંદ કર્યુ. ત્યારબાદ તેમણે પોતાની પત્ની જગજીત કૌર સાથે બાઝાર, શગુન અને ઉમરાવ જાનમાં કામ કર્યુ જેમણે તેમને નવી બુલંદીઓ પર પહોંચાડ્યા. ફિલ્મ કભી કભી અને ઉમરાવ જાન જેવી ફિલ્મો માટે તેમને ફિલ્મફેર અવોર્ડ મળ્યો. તેમના યાદગાર ગીતોમાં ‘વો સુબહ કભી તો આયેગી', ‘જાને ક્યાં ઢૂંઢતી રહેતી હે યે આંખે મુઝમે', ‘બુઝા દિએ હે ખુદ અપને હાથો', ‘ઠહરિયે હોશ મે આ લુ', ‘તુમ અપના રંજો ગમ અપની પરેશાની મુઝે દે દો', ‘શામે ગમ કી કસમ', ‘બહારો મેરા જીવન ભી સંવારો' જેવા અનેકો ગીતોમાં પોતાના સંગીતથી ચાર ચાંદ લગાવી દીધા. આ સહાબહાર સંગીત માટે ખય્યામ હંમેશા લોકોના દિલોમાં જીવિત રહેશે. જ્યારે જ્યારે આ ધૂન લોકોના કાનોમાં સંભળાશે ત્યારે તેમની યાદો લોકોને ફરીથી તાજી થઈ જશે.