જીગરદાન ગઢવી ડિસેમ્બરમાં કરી શકે છે આ ખાસ કામ, ફેન્સ થશે ખુશ
ગુજરાતી રૉક સ્ટાર જીગરદાન ગઢવી આ વર્ષે પોતાના જીવનની ખાસ વ્યક્તિ સાથે સગાઈના બંધનમાં બંધાઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે જીગરદાન ગઢવી ડિસેમ્બરમાં ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરે તેવી શક્યતા છે. કેટલાક દિવસો પહેલા ખુદ જીગરદાને જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બંનેના ફોટોઝ શૅર કરીને પોતે રિલેશનશિપમાં હોવાની માહિતી આપી હતી. જે બાદ જીગરના ફેન્સ આ યુવતી કોણ છે, જીગરા ક્યારે લગ્ન કરશે તે જાણવા ઉત્સુક છે.

સગાઈ કરે તેવી શક્યતા
જીગરાના ફેન્સ માટે સારા સમાચાર છે કે ડિસેમ્બર મહિનામાં જીગરદાન સગાઈ કરી શકે છે. એટલું જ નહીં આગામી મહિને લગભગ ફેન્સને જીગરદાનની જીવનની આ ખાસ વ્યક્તિ વિશે માહિતી પણ મળી જશે. કારણ કે જીગરદાન ગઢવી ટૂંક સમયમાં જ પોતાની ગર્લફ્રેન્ડ કોણ છે, તેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવાના છે.

ગર્લફ્રેન્ડ વિશે આપશે માહિતી
અત્યાર સુધી જીગરદાને ભલે #કપલગોલ્સ જેવા ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કર્યા હોય, પરંતુ પ્રાઈવસીના કારણોસર જીગરાએ પોતાની ગર્લફ્રેન્ડની ઓળખ જાહેર નથી કરી. ત્યારે હવે ફેન્સ તેમને જોવા અને તેમના વિશે જાણવા ઉત્સુક છે. જીગરાની ગર્લફ્રેન્ડ વિશે ફેન્સને માત્ર એટલી જ માહિતી છે કે આ યુવતી મૂળ ગુજરાતી છે, અને ઓસ્ટ્રેલિયાની છે. બંને એક કોન્સર્ટમાં જ પહેલીવાર મળ્યા હતા. જે બાદ વાત આગળ વધી અને બંને રિલેશનશિપમાં આવ્યા.

વીડિયો દ્વારા કરાવી શકે છે ઈન્ટ્રોડક્શન
કેટલાક મહિના પહેલા જીગરદાન ગર્લફ્રેન્ડના પેરેન્ટ્સને પણ મળી ચૂક્યા છે. અને ટૂંક સમયમાં બંનેના પેરેન્ટ્સ એકબીજા સાથે મુલાકાત કરવાના છે. ત્યારે આ મુલાકાત બાદ સગાઈની તારીખ પાકી થઈ શકે છે. આ અંગે જીગરદાન સત્તાવાર જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે જીગરદાન ગઢવીએ પોતાની પ્રેમિકા માટે એક ગીત પણ લખ્યું છે, જેનો વીડિયો તે બંને સાથે બનાવવાના છે. ટૂંક સમયમાં આ વીડિયો પણ જીગરદાન જાહેર કરશે. શક્ય છે કે આ વીડિયો દ્વારા જ જીગરા પોતાની ગર્લફ્રેન્ડને ફેન્સ સાથે ઈન્ટ્રોડ્યુસ કરાવે.