‘કેસરિયા’નું શૂટિંગ થયું શરૂ, મલ્હારની સાથે દેખાશે આ સ્ટાર
લાગે છે મલ્હાર ઠાકર આ વર્ષે પોતાના ફેન્સને જબરજસ્ત ખુશ કરવાના પ્લાનમાં છે. એક બાદ એક સતત મલ્હાર ઠાકરની ફિલ્મો અનાઉન્સ થઈ રહી છે. હાલ થિયેટર્સમાં ગોળકેરી તો સફળતાપૂર્વક ચાલી જ રહી છે. આ ઉપરાંત કેટલાક દિવસો પહેલા તેમની નવી ફિલ્મ 'વેનીલા આઈસક્રીમ’ અનાઉન્સ થઈ હતી. તો 'ધૂઆંધાર’નું શૂટિંગ હમણાં જ પુરુ થયું છે. ત્યાં જ મલ્હાર ઠાકરની વધુ એક ફિલ્મ 'કેસરિયા’નું ફર્સ્ટ પોસ્ટર સામે આવ્યું છે.

કચ્છમાં શરૂ થયું શૂટિંગ
મલ્હાર ઠાકર પહેલીવાર ડિરેક્ટર ધ્વનિ ગૌતમ સાથે કામ કરશે. ફિલ્મ ‘કેસરિયા'માં મલ્હાર ઠાકરને ધ્વનિ ગૌતમ ડિરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ આજથી કચ્છમાં શરૂ થઈ ચૂક્યુ છે. મલ્હારે પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મનું શૂટિંગ શરૂ થવાની જાહેરાત કરી છે. ફિલ્મના પોસ્ટર પરથી લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં એક યુવાનના કચ્છથી સ્કોટલેન્ડ પહોંચવાની જર્નીની વાત હશે. ફિલ્મના પોસ્ટરમાં એક તરફ કચ્છની પરંપરાગત જગ્યા બતાવાઈ છે, તો બીજી તરફ સ્કોટલેન્ડના મકાનો દર્શાવાયા છે.

અંશુલ ત્રિવેદી પણ લીડ રોલમાં
આ ફિલ્મમાં મલ્હારની સાથે સિરીયલ્સના જાણીતા એક્ટર અંશુલ ત્રિવેદી દેખાશે. અંશુલ આ પહેલા બોલીવુડની ‘રામલીલા', ‘રમૈયા વસ્તાવૈયા'માં પણ કામ કરી ચૂક્યા છે. અને ‘સસુરાલ ગેંદા ફૂલ', ‘ગુલાલ', ‘ત્રિદેવિયાં', ‘મેં લક્ષ્મી તેરે આંગન કી' જેવી સિરીયલ્સમાં પણ કામ કરી ચૂક્યા છે. અને ગુજરાતી ઈન્ડસ્ટ્રીમાં અંશુલે ‘ઓક્સિજન' ફિલ્મથી ડેબ્યુ કર્યો હતો, બાદમાં તેઓ ‘પેલા અઢી અક્ષર'માં પણ દેખાયા હતા. ‘કેસરિયા'માં અંશુલ અને મલ્હાર પહેલીવાર સાથે કામ કરી ચૂક્યા છે. તો રિતુ ભગવાની આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યા છે.

આવી છે ફિલ્મની સ્ટોરી
અંશુલ ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે ‘કેસરિયા' એક લવ ટ્રાયેન્ગલ છે. જેની શરૂઆત કચ્છથી થાય છે, અને પછી ત્રણેય પાત્રોની જર્ની સ્કોટલેન્ડ પહોંચે છે. બે અલગ અલગ દુનિયાની વાતો ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં મલ્હાર ‘ગાઈડ'ના રોલમાં દેખાશે, તો અંશુલ BSF ઓફિસરના પાત્રમાં જોવા મળશે. ફિલ્મનું પહેલું શેડ્યુલ કચ્છમાં અને બીજું શેડ્યુલ સ્કોટલેન્ડમાં શૂટ થશે.