
દશેરાના 11 દિવસ પહેલા 'રાવણ'નો સ્વર્ગવાસ, અરવિન્દ્ર ત્રિવેદીનું નિધન
મુંબઈ : લોકપ્રિય ટીવી સિરિયલ રામાયણમાં રાવણનું પાત્ર ભજવનારા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મંગળવારની રાત્રે 82 વર્ષની વયે નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ આ વાતની પુષ્ટિ કરી છે. કૌસ્તુભ ત્રિવેદીએ જણાવ્યું કે, અરવિંદ ત્રિવેદી થોડા સમય માટે ઠીક ન હતા, પરંતુ તેમને અચાનક હાર્ટ અટેક આવ્યો હતો, તેમના શરીરના ઘણા ભાગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, જે બાદ તેનું નિધન થયું હતું. અરવિંદ ત્રિવેદીના અંતિમ સંસ્કાર આજે મુંબઈમાં કરવામાં આવશે.
રાવણ સિવાય અરવિંદ ત્રિવેદી અન્ય ઘણા પાત્રો માટે પણ જાણીતા છે, પરંતુ અરવિંદ ત્રિવેદીએ રાવણનું પાત્ર જે રીતે ભજવ્યું તે કોઈ ભૂલી શકે નહીં. વિક્રમ અને વેતાળમાં અરવિંદ ત્રિવેદીનું પાત્ર પણ લોકોને ખૂબ પસંદ આવ્યું હતું. અરવિંદ ત્રિવેદી ત્રણ દાયકા સુધી ગુજરાતી સિનેમામાં પણ સક્રિય હતા. અહીં તેમણે 'દેશ રે જોયા દાદા પ્રદેશ જોયા'માં કામ કર્યું, જે લોકપ્રિય ગુજરાતી ફિલ્મોમાંની એક છે. અરવિંદ ત્રિવેદીના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી સિનેમામાં જાણીતું નામ છે.
અરવિંદ ત્રિવેદી 1991થી 1996 સુધી સંસદના સભ્ય પણ હતા. આ ઉપરાંત તેમણે 2002થી 2003 વચ્ચે થોડા સમય માટે સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશનના પ્રોસીડિંગ ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. ફિલ્મ નિર્માતા કે અમરે પણ અરવિંદ ત્રિવેદીના મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું કે, તેઓ ખૂબ સારા વ્યક્તિ હતા, તેઓ ખૂબ જ ખુશખુશાલ સ્વભાવ ધરાવતા હતા. તેમણે ગુજરાતી ફિલ્મ 'માં તે માં બીજા વગડાના વા' માં પણ અભિનય કર્યો હતો અને આ કદાચ તેમની છેલ્લી ફિલ્મ હતી.
કોરોના સંક્રમણને કારણે દેશમાં લોકડાઉન હતું, ત્યારે રામાયણને ટીવી પર ફરીથી પ્રસારિત કરવામાં આવી હતી. આ દરમિયાન સીરિયલ જોતી વખતે અરવિંદ ત્રિવેદીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. અરવિંદ ત્રિવેદીએ જે રીતે પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા, લોકો આજે પણ તેને ભૂલી શક્યા નથી.
રામાયણનું પ્રથમ પ્રસારણ ટીવી પર વર્ષ 1987માં થયું હતું, પરંતુ જ્યારે કોરોના સમયગાળા દરમિયાન તેને ફરીથી પ્રસારિત કરવામાં આવી, ત્યારે તેને સૌથી વધુ ટીઆરપી મળી હતી. રામાયણે સૌથી વધુ જોવાયેલા ટીવી સિરિયલ તરીકે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, 16 એપ્રિલ, 2020 ના રોજ 77 મિલિયન લોકોએ આ સિરિયલ જોઈ હતી.