ગુજરાતી સિરીયલો પર પડી ‘કોરોના ઇફેક્ટ’, જોવા પડશે જૂના એપિસોડ
કોરોનાનો ખૌફ આખા વિશ્વમાં ફેલાયેલો છે. ક્ષણે ક્ષણે સ્થિતિ બદતર બની રહી છે. કોરોનાના કેસ વધવાની ઝડપ પણ વધી રહી છે, ત્યારે એક માત્ર ઉપાય છે, ઘરમાં રહીને સુરક્ષિત રહેવાનો. હવે આ ઘરમાં રહેવા દરમિયાન લોકો ટીવી, મીડિયા, રેડિયોનો સહારો લઈ રહ્યા છે. જો કે ટીવી પર પણ નિરાશા મળે તેવી શક્યતા છે. કારણ કે, કોરોનાના ડરથી મોટા ભાગના શૂટિંગ અટકી પડ્યા છે.

કોરોનાઈફેક્ટ
કોરોનાથી બચવા માટે દેશ લગભગ લોકડાઉનની સ્થિતિમાં છે, ત્યારે બોલીવુડથી લઈ તમામ ઈન્ડસ્ટ્રીમાં શૂટિંગ અટકાવી દેવાયા છે. એક સાથે મોટી સંખ્યામાં લોકોએ એક્ઠા થવાનું ન હોવાને કારણે આ શૂટિંગ અટકાવી દેવાયા છે. કેટલીક હિન્દી સિરીયલ્સમાં તો સત્તાવાર જાહેરાત પણ થઈ ચૂકી છે કે, દર્શકોએ હવે જૂના એપિસોડ જોઈને સમય પસાર કરવો પડશે.

શૂટિંગ પણ અટકાવી દેવાયા
ત્યારે ગુજરાતી સિરીયલ્સના શૂટિંગ પણ અટકાવી દેવાયા છે. સલામતીના ભાગરૂપે કલર્સ ગુજરાતી પર પ્રસારિત થતી તમામ ગુજરાતી સિરીયલ્સના શૂટિંગ બંધ કરી દેવાયા છે. અભિલાષા, સાવજ - એક પ્રેમ ગર્જના, દિકરી વ્હાલનો દરિયો, લક્ષ્મી સદૈવ મંગલમના શૂટિંગ્સ છેલ્લા 3 દિવસથી અટકાવી દેવાયા છે. તો તાજેતરમાં જ શરૂ થયેલી પ્રેમની ભવાઈનું શૂટિંગ પણ બંધ છે. ઉલ્લેખનીય છે કે આમાંથી સાવજ, લક્ષ્મી સદૈવ મંગલમ, દિકરી વ્હાલનો દરિયોના શૂટિંગ મુંબઈમાં થાય છે, જ્યારે પ્રેમની ભવાઈ અને અભિલાષાનું શૂટિંગ ગુજરાતમાં થાય છે.

પ્રેમની ભવાઈ
તો નોંધપાત્ર વાત એ છે કે પ્રેમની ભવાઈ સિરીયલનું શૂટિંગ હમણાં જ શરૂ થયું છે. બાકીની સિરીયલ્સ જૂની છે, જેના જૂના એપિસોડ પ્રસારિત થઈ શકે છે, પરંતુ પ્રેમની ભવાઈના વિકલ્પમાં શું પ્રસારિત થશે તે દર્શકો માટે પણ એક સવાલ છે. હાલ કોરોનાને કારણે ઘરબંધી જેવો સમય છે, ત્યારે દર્શકોએ પણ જૂના એપિસોડ, જૂના પાત્રોને જોઈને પોતાની યાદો તાજી કરવી પડશે.
કોઈ પત્તા રમે છે, કોઈ સફાઈ કરે છે, ઘરે બેસીને આ રીતે સમય પસાર કરી રહ્યા છે ગુજરાતી સ્ટાર્સ