ફિલ્મ મિસરીના સ્ટાર કાસ્ટના બાઈટ સ્ટંટ વાયરલ થતા પોલીસ એક્સનમાં
સામાન્ય નાગરિકોને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ફટકારવામાં આવે છે ત્યારે આગામી ગુજરાતી ફિલ્મ મિસરીના કલાકારો બુધવારે શહેરના રસ્તાઓ પર ખતરનાક સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેની વ્યાપક ટીકા થઈ હતી.
વિવાદ વધતા અમદાવાદ પોલીસે આ મામલે ગુનો નોંધી સંડોવાયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. વાયરલ વીડિયોમાં વરિષ્ઠ અભિનેતા ટિકુ તલસાણિયા ફિલ્મના અન્ય કલાકારો સાથે બાઇક પર જોવા મળ્યા હતા.

આ દરમિયાન કેટલાક કલાકારો હેલ્મેટ વગર હતા, જ્યારે અન્ય ચાલતા ટુ-વ્હીલર પર ઊભા હતા. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા અભિનેત્રી માનસી પારેખ પણ એક બાઇક પર પાછળ બેસીને સ્પીડ બ્રેકર પર ટાઇટેનિક પોઝ આપતી જોવા મળી હતી, જેમાં તેઓ માંડ માંડ અકસ્માતથી બચ્યા હતા.
આ પ્રમોશનલ વીડિયો ઓનલાઈન ઝડપથી ફેલાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઘણા લોકોએ કલાકારોની આલોચના કરતા જણાવ્યું કે, આવા કૃત્યોથી ખરાબ ઉદાહરણ પૂરું પડે છે અને સેલિબ્રિટીઓને ટ્રાફિક નિયમો તોડવા બદલ વિશેષ સુવિધા ન મળવી જોઈએ.
આ મામલે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક) એન. એન. ચૌધરીએ મીડિયાને જણાવ્યું કે, આ રેલી માટે પરવાનગી આપવામાં આવી હતી કે નહીં તેની તેમને જાણ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, હેલ્મેટ વિના વાહન ચલાવવું હોય કે સ્ટંટ કરવા હોય, નિયમોનો ભંગ કરનાર કોઈપણ સામે કાર્યવાહી કરવામાં આવશે.
એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 281 અને મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધ્યો છે. આ કલમો જીવન જોખમમાં મૂકે તેવી રીતે જાહેર રસ્તાઓ પર બેદરકારીપૂર્વક સ્ટંટ કરવા સંબંધિત છે.
એફઆઈઆરમાં જણાવાયું છે કે, એક જીપ (GJ-24-AA-1275), એક મોટરસાઇકલ (GJ-01-A-1121) અને કેટલાક અજાણ્યા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ચાલકો વધુ ઝડપે બેફામ સ્ટંટ કરતા જોવા મળ્યા હતા, જેનાથી પોતાના અને અન્યના જીવ જોખમમાં મુકાયા હતા.
ઓળખાયેલા વાહન માલિકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વાયરલ ફૂટેજમાં દેખાતા અન્યને શોધવા માટે તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું કે, અભિનેતાઓ ટિકુ તલસાણિયા, પ્રેમ ગઢવી અને જેસલ જાડેજા સામે મોટર વાહન અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
ફિલ્મના નિર્માતા સંજય સોનીનું નિવેદન નોંધવામાં આવ્યું છે. જો કે, માનસી પારેખ માત્ર પાછળ બેઠેલી હોવાથી હાલમાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
