એંજેલિના જોલીની આત્મકથા છાપવા માટે પ્રકાશકોમાં સ્પર્ધા
ન્યુયૉર્ક, 21 ઑક્ટોબર : હૉલીવુડના સૌથી સુંદર અભિનેત્રીઓમાંના એક એંજેલિના જોલી કે જેમના સૌંદર્ય તથા સંઘર્ષમય જીવનના દરેક પાનાને લોકો જાણવા અને વાંચવા માંગે છે. એટલે જ તો એંજેલિનાની આત્મકથા પ્રસિદ્ધ કરવા પ્રકાશકોમાં હોડ મચી છે. દરેક મોટું પબ્લિકેશન જોલીને મોમાંગી કિંમત આપવા તૈયાર છે તેમની ઑટોબાયોગ્રાફી છાપવા માટે.
કહે છે કે એંજેલિના જોલીએ પોતાની આત્મકથામાં એક અભિનેત્રી બનવાથી માંડી બ્રૅડ પિટના પ્રેમિકા બનવા સુધીની સફરને ખૂબ જ માર્મિક રીતે રજૂ કર્યું છે. જોલીએ પોતાના પુસ્તકમાં પોતાના માતા સાથેના સંબંધોને પણ સુંદર રીતે વર્ણવ્યું છે. ઉપરાંત તેમના બ્રેસ્ટની બાયોપ્સી કઈ પરિસ્થિતિઓમાં થઈ, તેનો પણ ઉલ્લેખ છે, તો બ્રૅડ પિટ સાથે લિવ ઇન રિલેશન અને છ બાળકોના માતા બનવાનો નિર્ણય પણ કઈ રીતે લેવાયો? તે અંગે પણ ખુલાસો છે. ખેર, હાલ તો જોવાનું એ જ રહે છે કે સૌથી મોંઘા અભિનેત્રી એંજેલિના જોલીની આત્મકથા છાપવાનો સૌભાગ્ય કોને મળે છે?