For Daily Alerts
જામીન મળતા બિગ બૉસમાં પરત ફરતા અરમાન કોહલી
લોનાવાલા, 18 ડિસેમ્બર : બિગ બૉસ જોનારાઓ માટે રાહતના સમાચાર છે. શોના સ્પર્ધક અરમન કોહલી જામીન મળ્યા બાદ શોમાં પરત ફર્યાં છે. આ માહિતી અરમાનના વકીલ સંજય વાંદ્રેએ મીડિયાને આપી. તેમણે જણાવ્યું કે અરમાનને 50 હજાર રુપિયાના જામીનખત અને તેટલી જ રકમની બે જામીન ઉપર જામીન આપવામાં આવી છે.
સોફિયા હયાતની ફરિયાદ અંગે અરમાન કોહલી વિરુદ્ધ જે ગુનાઓ નોંધાયા હતાં, તે બધા જામીનપાત્ર હતાં. તેથી અરમાનને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા નહીં અને મંગળવારે બપોરે જામીન મળતા જ તેમને પોલીસ કસ્ટડીમાંથી છોડી દેવામાં આવ્યાં. જામીન મળ્યા બાદ અરમાન કોહલી બિગ બૉસમાં પરત ફર્યાં છે. બ્રિટિશ ગાયિકા અને અભિનેત્રી સોફિયા હયાતે શો દરમિયાન અરમાન સામે હુમલો કરવાની ફરિયાદ નોંધાવી હતી.
અરમાન કોહલી અગાઉ બૉલીવુડ ફિલ્મોમાં અભિનય કરી ચુક્યાં છે. તેમણે વિરોધી, ઔલાદ કે દુશ્મન, જાની દુશ્મન એક અનોખી કહાની જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પછી તેઓ ફિલ્મી દુનિયામાંથી ગાયબ થઈ ગયા હતાં. જોકે બિગ બૉસ 7માં આવતા જ તેઓ ફરી લાઇમલાઇટમાં આવી ગયાં છે.