'તારક મહેતા..'માંથી દયાબેનની વિદાય અંગે મોટો ખુલાસો
સબ ટીવી પર સૌથી લાંબો ચાલનારો અને કદાચ સૌથી લોકપ્રિય શો એવો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માંથી દિશા વાકાણી એટલે કે દયા જેઠાલાલ ગડા વિદાય લેવાના હોવાની ખબરો છેલ્લા ઘણા સમયથી સાંભળવા મળી રહી હતી. નોંધનીય છે કે, દયાબેનના પાત્રથી લોકપ્રિય થયેલ દિશા વાકાણી હાલ પ્રેગનેન્ટ છે અને આ કારણે જ જ શોમાંથી વિદાય લેવાના હોવાની વાતો વહેતી થઇ હતી.

દિશા વાકાણી રિપ્લેસ?
દિશા વાકણીની જગ્યાએ હવે જિયા માણેક દયાબેનનું પાત્ર ભજવશે, એવા પણ સમાચાર આવ્યા હતા. જો કે, દર્શકો આ સમાચારથી ખાસા નિરાશ થયા હતા. આ શોની સાથે જ શોમાં જેઠાલાલ, દયાબેન, તારક મહેતા જેવા મુખ્ય પાત્ર ભજવતાં એક્ટર્સ પણ ખૂબ લોકપ્રિય થયા છે અને આથી દર્શકો નહોતા ઇચ્છતા કે દિશા વાકાણીને રિપ્લેસ કરવામાં આવે.

શોના મેકર્સ સમજ્યા દર્શકોના મનની વાત
શોના મેકર્સને પણ આ વાત હવે બરાબર સમજાઇ ગઇ છે. તાજેતરના સમાચાર અનુસાર, મેકર્સે દિશા વાકાણીને રિપ્લેસ કરવાની જગ્યાએ તેને પ્રેગનન્સી માટે એક્સટેન્ડેડ લીવ આપવાનું નક્કી કર્યું છે. હાલ દિશા આ શો માટે શૂટિંગ કરી રહી છે અને તે જેટલા દિવસ કામ કરશે એટલા દિવસનો ભરપૂર ઉપયોગ કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. તેના એક જ દિવસના શૂટિંગનો ઉપયોગ 5-6 એપિસોડ સુધી થાય એ રીતે કામ થઇ રહ્યું છે.

અન્ય પાત્રો પર કરશે ફોકસ
એક લીડિંગ ડેઇલીના અહેવાલો અનુસાર, સૂત્રોએ જણાવ્યું હતું કે, મેકર્સની દિશાને રિપ્લેસ કરવાની કોઇ ઇચ્છા નથી. તે આ શોનો મહત્વપૂર્ણ ભાગ છે. આથી દિશાની ગેરહાજરીમાં તેઓ હવે શોમાં અન્ય પાત્રો પર ફોકસ કરી કામ ચલાવશે.

દિશાના ઘરે પણ થઇ શકે છે શૂટિંગ
આ શોના પ્રોડ્યૂસર આસિત મોદીએ આ અંગે કહ્યું હતું કે, હાલ તો દિશા કામ કરી રહી છે, આથી અમે કંઇ વિચાર્યું નથી. અમે તેના દિવસોનો ભરપૂર ઉપયોગ કરીને એ વાત પાકી કરવા માંગીએ છીએ કે તેણે વારે-વારે સેટના આંટા ન ખાવા પડે. કેટલુંક શૂટિંગ તેના ઘરે જ કરવામાં આવે તેવી પણ વ્યવસ્થા થઇ રહી છે.