હાઉસવાઇફ છે સનમીત, પણ બધું જ જાણે છે
મુંબઈ, 8 જાન્યુઆરી : કૌન બનેગા કરોડપતિ 6 એટલે કે કેબીસી 6માં પ્રથમ વાર 5 કરોડ રુપિયાની રકમ જીતનાર મહિલા સનમીત કૌરની સફળતાથી સમગ્ર દેશની મહિલાઓ ખુશ છે અને સાથે જ મહિલા હોવા અંગે ગૌરવ અનુભવી રહી છે. સનમીત હાલ કોઈ બૉલીવુડ સેલિબ્રિટી કરતાં ઓછા નથી. સાથે જ સનમીતની આ સફળતાથી તેમના કુટુમ્બીજનો પણ હાલ લાઇમલાઇટમાં છે. ગઈકાલ સુધી જે સનમીત એક ભાડાના મકાનમાં પોતાની બે દીકરીઓ, પતિ અને સાસુ સાથે રહેતા હતાં કે જેમની દુનિયા માત્ર તેમના પરિવારની આજુબાજુ ફરતી હતી. આજે તે જ સનમીત હૅડલાઇન્સમાં છે અને સૌ કોઈ તેમને મળવા આતુર છે.
સનમીત એક હાઉસવાઇફ છે, પરંતુ તેમના જ્ઞાનનો વિસ્તાર ખૂબ મોટો છે. તેમને દેશ-વિદેશના સમાચારોની સારી એવી માહિતી છે. સનમીતને જ્યારે પુછવામાં આવ્યું કે તેઓ આ પાંચ કરોડ રુપિયાની રકમનું શું કરશે, તો તેમણે જણાવ્યું કે સૌપ્રથમ તો તેમને ભાડાનું જે મકાન છે તેને ખરીદવું છે કે જેમાં તેઓ લગ્ન બાદ છેલ્લા 18 વરસથી રહે છે. તેમના પતિ અને સાસુ-સસરા લગભગ 42 વર્ષોથી આ ભાડાના મકાનમાં રહે છે. થોડાંક વરસ અગાઉ જ તેમના સસરાનું મોત થઈ ગયું. સસરા પણ ઇચ્છતા હતાં કે તેઓ આ ઘર ખરીદી પોતાના પત્ની એટલે કે સનમીતના સાસુને ગિફ્ટ કરે, પરંતુ આ ઇચ્છા તેમની અપૂર્ણ જ રહી. હવે સનમીત સસરાની આ ઇચ્છા પૂર્ણ કરવા માંગે છે.
સનમીત કૌરના પતિ મનમીત સિંહ એક એક્ટર છે. થોડાંક વરસ અગાઉ મનમીત કૌરને બિઝનેસમાં ખૂબ મોટો નુકસાન થઈ ગયો અને તેમની ઉપર કર્જ થઈ ગયો. હવે આ પૈસાથી સનમીત પોતાના પતિને કર્જમુક્ત કરવા માંગે છે. અમિતાભ બચ્ચને પણ સનમીત કૌરને આ સફળતાએ ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યાં છે.