કોરોના વાયરસના વધતા સંક્રમણને પગલે અમદાવાદમાં લાગ્યો 60 કલાકનો કર્ફ્યુ
અમદાવાદઃ દિવાળી અને નવા વર્ષની ઉજવણી દરમિયાન વધેલા કોરોના સંક્રમણને રોકવા અને કાબુમાં લેવા માટે અમદાવાદ શહેરમાં શુક્રવાર એટલે કે આજે(20 નવેમ્બર) રાતે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. આ કર્ફ્યુ દરમિયાન અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની તેમજ આવશ્યક વસ્તુની દુકાનો જ ખુલ્લી રહેશે. અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ ગઈ કાલે સાંજે 5.30 વાગે રાતે કર્ફ્યુની જાહેરાત કરી હતી.
અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ વધુમાં જણાવ્યુ છે કે શહેરમાં કોરોના વધુ ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં લેવાની જરૂર છે. વળી, સોમવારથી રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે. કર્ફ્યુ દરમિયાન રાત્રિ બજાર, રેસ્ટોરન્ટ અને હોટલ, બસ સેવા, થિયેટર અને પાનના ગલ્લા તેમજ ચાની કિટલીઓ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 1 ઓગસ્ટે કર્ફ્યુ હટાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત શહેરમાં આજે રાતથી સોમવાર સવાર સુધી એસટી બસની સેવાઓ પણ બંધ રહેશે. રાતે નવ વાગ્યા પછી શહેરમાં એસટી બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અમદાવાદમાં 350 જેટલી બસો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અમદાવાદમાં છેલ્લા 5 દિવસથી રોજ 200થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. નવેમ્બર મહિનાની પહેલી તારીખથી 10 તારીખ સુધી 150થી 165 વચ્ચે કેસ હતા જ્યારે 11 તારીખ પછી કેસ વધવા લાગ્યા હતા. અમદાવાદ સિવિલ હોસ્પટલમાં આજની સ્થિતિની વાત કરીએ તો 723 દર્દીઓમાંથી 384 દર્દીઓ ઓક્સિજન પર છે.
કોરોના વેક્સીનઃ પૂનાવાલાએ જણાવ્યુ ક્યારે-કેટલી કિંમતે મળશે