અમિત શાહ મેના અંતમાં આવશે ગુજરાતની મુલાકાતે, કરશે મુખ્ય જિલ્લાઓની સમીક્ષા
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મે મહિનાના અંતમાં દેવભૂમિ દ્વારકા, અમદાવાદ, ખેડા, ગોધરા જેવા મહત્વના સ્થળોની મુલાકાત લેશે તેવી અપેક્ષા છે જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્યાણકારી પ્રોજેક્ટના ઉદ્ઘાટન ઉપરાંત ચૂંટણીલક્ષી ગુજરાતમાં ભાજપની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે.
27 અને 28 મેના રોજ સંભવિત અમિત શાહની આ મુલાકાત દરમિયાન તેઓ દ્વારકામાં કોસ્ટલ પોલિસ એકેડેમીની મુલાકાત લેવાના છે. વળી, ગોધરામાં સહકારી સંબંધિત કાર્યક્રમોમાં પણ ભાગ લે તેવી સંભાવના છે. ખેડામાં એક જાહેર સભાને સંબોધિત કરશે જ્યાં 2017ની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગળાકાપ સ્પર્ધા જોવા મળી હતી. ગાંધીનગરમાં તેમના પોતાના લોકસભા મત વિસ્તારમાં પક્ષના કાર્યકરો સાથે બેઠકો યોજાશે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 81 હજારથી વધુ સહકારી મંડળીઓ છે જેનો લાભ કોંગ્રેસને દાયકાઓ સુધી મળ્યો છે. જો કે, તેમાંથી મોટાભાગના પર હવે ભાજપનુ નિયંત્રણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેઓ સહકારી પોર્ટફોલિયો પણ ધરાવે છે, તેમણે લગભગ એક મહિના પહેલા જ રાજ્યની મુલાકાત લીધી હતી અને બનાસકાંઠા અને પંચમહાલ જેવા સ્થળોને પ્રવાસ કર્યો હતો. શાહની મુલાકાત ભાજપના 'એક દિવસ, એક જિલ્લો' કાર્યક્રમને વેગ આપે તેવી સંભાવના છે જેમાં પક્ષના ઓછામાં ઓછા એક ટોચના નેતા એક જિલ્લાની મુલાકાત લે છે.