અમદાવાદમાં કોરોના કેસોમાં ઉછાળો પરંતુ ઓમિક્રૉન મામલે રાહત
અમદાવાદઃ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના દૈનિક કેસોમાં 968 કેસનો અચાનક ઉછાળો આવ્યો છે. મંગળવારે શહેરમાં 2861 કેસ સાથે 242 બાદ શહેરમાં 2800થી વધુ દૈનિક કેસ નોંધાયા છે. જો કે, 1290 દર્દીઓ કોરોનાથી રિકવર થયા છે. ગઈ કાલની સરખામણીમાં 659 વધુ દર્દી રિકવર થયા છે. અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો મંગળવારે વધુ 42 નવા કેસ નોંધવામાં આવ્યા જ્યારે 24 દર્દી રિકવર થયા છે. જો કે ઓમિક્રૉનનો એક પણ નવો કેસ નોંધાયો નથી. અમદાવાદ શહેરમાં ઓમિક્રૉનના અત્યાર સુધી 110 કેસ નોંધાયા છે જેમાંથી 102 દર્દીઓ રિકવર થયા છે.
શહેરમાં કોરોના કેસમાં વધારો થતા શહેરની IIMમાં મંગળવારે વધુ 98 લોકોનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં વધુ 11 લોકોનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો હતો. ગઈકાલ સુધી આઈઆઈએમમાં કોરોનાના કુલ 68 કેસ હતા જે હવે 79 થઈ ગયા છે. અમદાવાદમાં શહેરમાં કોરોનાનુ સંક્રમણ વધતા સરખેડ, નવરંગપુરા, આંબાવાડી, ઉસ્માનપુરા, નિકોલ, શાહીબાગ, કાંકરિયા, ખોખરા, સોલા, થલતેજ, વસ્ત્રાપુર, સરદારનગર સહિત કુલ 19 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 14 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે.
શેલામાં 10 દિવસમાં 28 જેટલા લોકો કોરોના પૉઝિટીવ મળી આવ્યા હતા જેના કારણે જિલ્લા આરોગ્ય વિભાગે 10 દિવસમાં 8 જેટલી સ્કીમના 86 ઘરોના 492 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂક્યા છે. 30 ડિસેમ્બરના રોજ ચાર જેટલી સ્કીમોના ઘરો જ્યારે 5 જાન્યુઆરીએ ફરીથી બીજી ચાર સ્કીમના મકાનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાયા હતા. કેસો નહિવત થતા 14 દિવસમાં કન્ટેનમેન્ટ એરિયા મુક્ત કરવામાં આવશે. શહેરમાં 177 વિસ્તાર એક્ટીવ માઈક્રો કન્ટેનમેન્ટ તરીકે અમલમાં છે પરંતુ ત્યાં આઉટ સોર્સિંગ સ્ટાફનો અભાવ હોવાથી ત્યાં ટેસ્ટીંગ ધીમુ પડ્યુ છે.
શહેરમાં રસીકરણ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. 60 વર્ષ કે તેથી વધુ વયના તમામ સીનિયર સિટીઝન, હેલ્થ વર્કર અને ફ્રંટલાઈન વર્કરને પ્રિકોશન ડોઝ આપવાનુ શરુ કરવામાં આવ્યુ છે. મંગળવારે શહેરમાં 12876 લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે 15થી 18 વર્ષની વયના 9556 કિશોરોને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો હતો.