કાંકરિયાના હોરર હાઉસમાં લાગી આગ, તમામ વસ્તુઓ બળીને ખાખ
અમદાવાદઃ કાંકરિયામાં મોડી રાતે એક દૂર્ઘટના બની ગઈ હતી. કાંકરિયાના હોરર હાઉસમાં શુક્રવારે રાતે 11 વાગ્યા આસપાસ આગ લાગી હતી. આગ લાગવાના કારણે હોરર હાઉસમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર શોર્ટ સર્કિટના કારણે અહીં ભીષણ આગ લાગી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
આગ લાગ્યા બાદ તાત્કાલિક ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો હતો. મળતી માહિતી મુજબ કાંકરિયાના હોરર હાઉસમાં શુક્રવારની રાતે 11 વાગ્યા આસપાસ આગ લાગવાના કારણે હાઉસની અંદરની ડિસ્પ્લે, લાકડા, કપડા જેવી વસ્તુઓને મોટુ નુકશાન થયુ હતુ. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં પણ કાંકરિયાના બાલવાટિકામાં રાઈડ તૂટી પડતા એક મોટી દૂર્ઘટના થઈ હતી. 30 ફૂટ ઉંચેથી રાઈડ નીચે પટકાઈ હતી જેમાં 2 લોકોના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે 29 લોકોને નાની-મોટી ઈજા થઈ હતી. તમને જણાવી દઈએ કે કાંકરિયા અમદાવાદનુ સૌથી મોટુ તળાવ છે. મણિનગરમાં આવેલા કાંકરિયા તળાવમાં વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણીસંગ્રહાલય, બાલવાટિકા, કિડ્ઝ સિટી, અટલ એક્સપ્રેસ ટ્રેન, હોરર હાઉસ, બલૂન રાઈડ જેવી લોકોને આકર્ષતી અનેક મનોરંજનની વસ્તુઓ છે.