સાબરમતી નદીમાં પ્રદૂષણ ફેલાવનારા એકમો નહિ ખુલેઃ હાઈકોર્ટનો હુકમ
અમદાવાદઃ સાબરમતી નદીમાં થઈ રહેલા પ્રદૂષણ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર ચુકાદો આવ્યો છે. હાઈકોર્ટે સાબરમતી નદી પ્રદૂષણ મામલે 99 પેજનો આદેશ જાહેર કર્યો છે. જે મુજબ નિયમોનુ પાલન નહિ થાય તો કોર્પોરેશન અને જીપીસીબીએ કાપેલ ઔદ્યોગિક એકમોના જોડાણો ફરીથી શરુ કરવામાં આવશે નહિ. જ્યાં સુધી ઈટીપીનુ ડિસ્ચાર્જ યોગ્ય ધારાધોરણ પ્રમાણેનુ કરવામાં નહિ આવે ત્યાં સુધી કોર્પોરેશનના કનેક્શન કપાયેલા રહેશે.
અમદાવાદમાંથી પસાર થતી સાબરમીત નદીમાં પ્રદૂષણ મુદ્દે સુઓમોટો અરજીમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ખાસ નિર્દેશ આપ્યા છે. જસ્ટીસ જેબી પારડીવાલા અને જસ્ટીસ વૈભવી નાણાવટીની ખંડપીઠે સુનાવણીના સમયથી એટલે કે 12.17 કલાકથી જ ટ્રેડ એફલ્યુઅન્ટને સુએઝમાં છોડવા માટે ઓથોરિટી તરફથી અપાયેલી તમામ પરવાનગીને રદ કરવાની જાહેરાત કરી છે.
ગુજરાત હાઈકોર્ટે કહ્યુ કે 1949માં સાબરમતીમાંથી એક ગ્લાસ પાણી લઈને સીધુ પી શકાય એવુ હતુ પરંતુ શું આજે એ સ્થિતિ છે? સાબરમતી નદીનુ પાણી 3 જેટલા ગામોમાં સિંચાઈ માટે પણ જતુ હોવાથી હાઈકોર્ટે મિરોલી પિયત સહકારી મંડળીને સાબરમતી નદીનુ પ્રદૂષિત પાણી ખેતી કે સિંચાઈ માટે ન વાપરવાની સૂચના આપી છે.
ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીના પ્રદૂષણ મામલે એક કમિટી બનાવી હતી જેના સભ્યએ પ્રદૂષણ અંગેની હકીકતો કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. વાસણાથી લઈને ખંભાતના દરિયાકિનારા સુધીનો હિસ્સો મોટા પ્રમાણમાં પ્રદૂષિત હોવાનો ઉલ્લેખ કર્યો. વળી, હવે રિવરફ્રંટ તરફનો હિસ્સો પણ પ્રદૂષિત થઈ રહ્યો હોવાની વાત કહી. હાઈકોર્ટે એએમસી અને જીપીસીબીને સુએઝમાં ટ્રેજ એફ્લુઅન્ટ ઠાલવતી ઈન્ડસ્ટ્રીઝને ડેટા તાત્કાલિક ભેગો કરીને કોર્ટમાં રજૂ કરવાના આદેશ આપ્યા છે. ગુજરાત હાઈકોર્ટ પોતાનો વિસ્તૃત હુકમ આગામી દિવસોમાં જાહેર કરશે.