
પતંગ રસીયાઓ આનંદો! ઉત્તરાયણ પર કાતિલ ઠંડી સાથે આટલા કિમીની ઝડપે રહેશે પવન, જાણો આગાહી
અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કાતિલ ઠંડીનુ મોજુ ફરી વળ્યુ છે. દેશના ઉત્તર ભાગોમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે પડી રહેલી કડકડતી ઠંડીથી જનજીવન પણ પ્રભાવિત થયુ છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. ઉત્તરાયણના દિવસે 10થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેના કારણે પતંગ રસીયાઓને પતંગ ચગાવવાની મઝા પડશે. પવનની આ ગતિ પતંગ ચગાવવા માટે સારી માનવામાં આવે છે. જો કે હવામાન વિભાગ મુજબ બપોરે પવનની ગતિમાં સામાન્ય ઘટાડો આવવાની પણ સંભાવના છે.
ઉત્તરાયણના દિવસે ઠંડી સાથે પવનની ગતિ સારી રહેતા પતંગ રસીયાઓને પતંગ ચગાવવાની મઝા આવશે. દર વર્ષે સામાન્ય રીતે ઉત્તરાયણના બે દિવસ પહેલા પવન સારો હોય અને ઉત્તરાયણના દિવસે બપોરે પવનની ગતિ સામાન્ય થઈ જતા પતંગ રસીયાઓની મઝામાં વિઘ્ન આવતુ હોય છે. આ વખતે હવામાન વિભાગે પવનની ગતિ સારી રહેવાનુ અનુમાન કરતા પતંગરસીયાઓની ઉત્તરાયણ સારી જઈ શકે છે. તેઓ ઉત્તરાયણની તૈયારીમાં લાગી ગયા છે.
તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સામાન્યથી વધુ ગતિએ ફૂંકાતા ઠંડા અને સૂકા પવનોના કારણે લઘુત્તમ તાપમાન 10થી 12 ડિગ્રીની આસપાસ રહે છે. બુધવારે ગુજરાતના નલિયામાં સૌથી ઓછુ 5 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ હતુ. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક દરમિયાન ઠંડીનુ જોર યથાવત રહેશે ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ઠંડીનુ પ્રમાણ ઘટશે.
બુધવારે રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન 10થી 12 ડિગ્રીની આસપાસ રહ્યા હતા. સવારે કડકતી ઠંડીનો અનુભાવ થયો હતો. બપોરે તાપમાન 24થી 26 ડિગ્રી રહ્યુ હતુ અને સાથે-સાથે ઠંડા પવનો ફૂંકાતા લોકો ઠુઠવાયા હતા. અમદાવાદમાં 10.1 ડિગ્રી, ગાંધીનગર 6.5 ડિગ્રી, વડોદરા 9.4 ડિગ્રી, રાજકોટ 9.0 ડિગ્રી, ભાવનગર 10.5 ડિગ્રી, અમરેલી 9.6 ડિગ્રી, ભૂજ 9.8 ડિગ્રી અને જૂનાગઢ 9.6 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યુ છે.