
રથયાત્રાના દિવસે અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ અષાઢી બીજ, ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે વરસાદ કેવો રહેશે તે વિશે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે રથયાત્રાના દિવસે અમદાવાદમાં ભારે વરસાદનુ વિઘ્ન નહિ આવે. અમદાવાદ અને ગાંધીનગરમાં અષાઢી બીજના દિવસે છૂટોછવાયો તેમજ સામાન્ય વરસાદ રહી શકે છે. પવનની ગતિ પણ સામાન્ય રહેશે તેમજ અમીછાંટણાથી વરસાદના વધામણા થશે. ભક્તોને ગરમી સહન નહિ કરવી પડે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસુ જામી ચૂક્યુ છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આગાહી મુજબ 30 જૂન અને 1 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. વળી, રથયાત્રાના દિવસે રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જૂન મહિનાાં પોણા બે ઈંચ વરસાદ સાથે 54 ટકા વરસાદ વરસ્યો છે.
આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જૂનથી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં જ્યારે 1 જુલાઈ પછી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર અને ભરુચમાં વરસાદની આગાહી છે. કચ્છમાં સામાન્ય વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવગનર, જૂનાગઢ અને સોમનાથમાં બારે વરસાદની આગાહી છે.