
Rathyatra 2022: અમદાવાદની રથયાત્રાનો સમગ્ર કાર્યક્રમ કરાયો જાહેર, PM મોદીને આમંત્રણ, જાણો વિધિ
અમદાવાદઃ ગુજરાતની સૌથી મોટી અને ઓરિસ્સાના જગન્નાથ પુરી બાદ ભારતની બીજા નંબરની સૌથી મોટી અમદાવાદની રથયાત્રાનુ આ વર્ષે ભારે ઉમંગ અને ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યુ છે. લોકોમાં પણ આ માટે અનેરો આનંદ જોવા મળી રહ્યો છે કારણકે કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ ભક્તોની ઉપસ્થિતિમાં નગરચર્યાએ નીકળવાના છે. જગન્નાથ મંદિર તરફથી આ વખતની રથયાત્રાનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. લોકો આ વખતની રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

રથયાત્રાના આગલા દિવસનો કાર્યક્રમ
- રથયાત્રાના આગલા દિવસે એટલે કે 30 જૂને સવારે 8 વાગે નેત્રોત્સવ વિધિ યોજાશે. જેમાં સી.આર. પાટિલ મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
- 10 વાગે ભગવાનને સોનાવેશનો શણગાર કરવામાં આવશે.
- 10.30 વાગે ગજરાજોની પૂજા કરવામાં આવશે. ત્યારબાદ ત્રણેય રથનુ પૂજન કરવામાં આવશે.
- સાંજે 6.30 વાગે મુખ્યમંત્રી મહંતને શુભેચ્છા પાઠવવામાં આવશે.
- રાતે 8 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંધ્યા આરતી કરશે.

રથયાત્રાના દિવસનો કાર્યક્રમ
- રથયાત્રાના દિવસે એટલે કે 1 જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે.
- સવારે 4 વાગે મંગળા આરતી થશે. જેમાં ગૃહમંત્રી અમિત શાહ ભાગ લેશે.
- સવારે 4.30 વાગે ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવશે.
- સવારે 5.45 વાગે ભગવાનને રથમાં પ્રસ્થાપિત કરાશે.
- સવારે 7.05 વાગે મુખ્યમંત્રીના હસ્તે રથ ખેંચીને પહિંદ વિધિ કરાશે.
- ત્યારબાદ શહેરના પરંપરાગત રુટ પર રથયાત્રા નીકળશે અને રાતે 8 વાગે રથયાત્રા નીજ મંદિરે પરત ફરશે.

રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી
તમને જણાવી દઈએ કે શહેરમાં 22 કિમીના રુટ પરથી પસાર થતી રથયાત્રામાં આ વખતે ભગવાન જગન્નાથને 1.50 કરોડ જેટલો વીમો ઉતારવામાં આવ્યો છે. આ વર્ષે રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. રથયાત્રામાં 18 શણગારેલા ગજરાજો, 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા ટ્રક, 30 અખાડા, 18 જેટલી ભજન મંડળી, 3 બેન્ડવાજા આકર્ષણનુ કેન્દ્ર રહેશે. 1 હજાર જેટલા ખલાસીઓ ભગવાનનો રથ ખેંચશે. રથયાત્રામાં હરિદ્વાર, અયોધ્યા સહિતની ધાર્મિક નગરીઓમાંથી 2000થી વધુ સાધુ-સંતો હાજર રહેશે. આ ઉપરાંત રથયાત્રાના દિવસે મંગળા આરતી બાદ આદિવાસી સમાજ નૃત્ય અને રાસ ગરબાનુ પણ આયોજન કરવામાં આવ્યુ છે. રથયાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દર વર્ષની જેમ આમંત્રણ આપવામાં આવ્યુ છે.

રથયાત્રાનો પરંપરાગત રૂટ
આ વખતની રથયાત્રામાં 3 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 300 કિલો કેરી, 400 કિલો કાકડી, 2 લાખ ઉપર્ણનો પ્રસાદ વહેંચવામાં આવશે. ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલા ખીચડીનો પ્રસાદ પણ ધરવામાં આવશે. ભગવાન જગન્નાથની રથયાત્રાનો 7.05 કલાકે પ્રારંભ થયા બાદ 9 વાગે અમદાવાદ કોર્પોરેશન ખાતે રથયાત્રાનુ સ્વાગત કરવામાં આવશે. 9.45 વાગે રાયપુર ચકલા, 10.30 વાગે ખાડિયા ચાર રસ્તા, 11.15 વાગે કાલુપુર સર્કલ, 12 વાગે સરસપુર, 1.30 વાગે સરસપુરથી પરત નીકળશે. બપોરે 2 વાગે કાલુપુર સર્કલ, 2.30 વાગે પ્રેમ દરવાજા, 3.15 વાગે દિલ્લી ચકલા, 3.45 વાગે શાહપુર દરવાજા, 4.30 વાગે આરસી હાઈસ્કૂલ, 5 વાગે ઘી કાંટા, 5.45 વાગે પાનકોર નાકા, 6.30 વાગે માણેક ચોક અને 8 વાગે નીજ મંદિર પરત ફરશે. તમને જણાવી દઈએ કે અમદાવાદની આ વખતની રથયાત્રામાં 10 લાખ લોકો ભાગ લેશે. સમગ્ર રથયાત્રામાં સીસીટીવીથી મોનિટરિંગ કરવામાં આવશે. ત્રીનેત્ર કંટ્રોલ રૂમમાં સમગ્ર રથયાત્રાના લાઈવ દ્રશ્યોનુ નિરીક્ષણ કરવામાં આવશે.