
જૂની પેન્શન યોજના મુદ્દે આજે સાત લાખ કર્મચારીઓનુ રાજ્યવ્યાપી આંદોલન
અમદાવાદઃ જૂની પેન્શન યોજના લાગુ કરવાના મામલે છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર રાજ્યમાં વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા ઉપવાસ, આંદોલન, ધરણા, રેલી સહિતના આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આવા કાર્યક્રમોનો કોઈ પ્રતિસાદ સરકાર તરફથી ન મળતા હવે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો(Gujarat State Joint Employees Front) મેદાનમાં આવ્યો છે.
પેન્શન યોજના લાગુ કરવા માટે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન મળતા આજે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકર જયંતિ નિમિત્તે રાજ્યભરમાં કર્મચારીઓ બાબાસાહેબની પ્રતિમા પાસે એકત્ર થઈને પોતાનો વિરોધ નોંધાવશે. મોરચાના આગેવાનોના જણાવ્યા મુજબ આજનો કાર્યક્રમ ગુજરાત વિધાનસભાની તમામ 182 બેઠક વિસ્તારમાં યોજવામાં આવશે અને આ માટેના આદેશ દરેક જિલ્લામાં આપવામાં આવ્યા છે.
રાજ્યના કર્મચારીઓના બનેલા વિવિધ સરકાર માન્ય સંઘ અને મહાસંઘના બનેલા અને સરકાર દ્વારા જેમને માન્ય યુનિયન તરીકે સ્વીકારવામાં આવ્યા છે તેવા ગુજરાતના રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજય સિંહ જાડેજા અને મહામંત્રી કિરીટસિંહ ચાવડાએ આ બાબતે મુખ્યમંત્રી સહિતના સરકારના ટોચના સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી છે.
તમને જણાવી દઈએ કે બે લાખ જેટલા પ્રાથમિક શિક્ષકો, સાડા ત્રણ લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને જુદા જુદા બોર્ડ નિગમના કર્મચારીએ સહિત કુલ સાત લાખ જેટલા કર્મચારીઓ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા સાથે જોડાયેલા છે. મોરચાની માંગણી જૂની પેન્શન યોજના લાગુ કરવાની છે. વળી ફિક્સ પગાર પદ્ધતિ બંધ કરીને પૂરો પગાર ચૂકવવા કરાર આધારિત કર્મચારીઓને કાયમી કરવા, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાના લાભ આપવા, પ્રાથમિક શિક્ષકો સિવાયનાઓ પણ સળંગ નોકરીને લાભ આપવા જેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. જો દસ દિવસમાં માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે તો રાજ્યવ્યાપી મહા આંદોલનની ચેતવણી આપવામાં આવી છે.