અમદાવાદમાં પારો 45 ડિગ્રી રહેવાની આગાહી, હીટવેવનુ એલર્ટ
અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 45, કંડલામાં 44, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે. આગામી પાંચ દિવસ તાપમાન વધવાની આગાહી સાથે રાજ્યના અમુક વિસ્તારોમાં હીટવેવન જાહેર કરવામાં આવ્યુ છે. આજે અમદાવાદ, સૌરાષ્ટ્ર, કંડલામાં 43 ડિગ્રી ઉપર તાપમાન રહ્યુ હતુ. અમદાવાદ, ગાંધીનગર, પાટણ અને સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર અને કચ્છમાં હીટવેવની આગાહી છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદમાં આગામી બે દિવસ 45 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. વળી, કંડલા અને સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી ઉપર તાપમાન રહી શકે છે. રાજ્યમાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ સાથે બે દિવસ પછી તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના પણ રજૂ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આજે ઓરેન્જ એલર્ટ અને જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયુ છે. અમદાવાદની સાથે ગાંધીનગર અને પાટણમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. વળી, સુરેન્દ્રનગર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયુ છુ. હાલમાં વરસાદની કોઈ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. વળી, વેસ્ટ બંગાળના વાવાઝોડાની પણ રાજ્ય પર કોઈ અસર નહિ થાય તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયુ છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ગઈ કાલે મહત્તમ 44 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ જ્યારે વડોદરામાં 43.6 ડિગ્રી, ગાંધીનગરમાં 43.5 ડિગ્રી, અમરેલીમાં 42.2 ડિગ્રી, ભાવનગરમાં 41.7 ડિગ્રી, ભૂજમાં 41.2 ડિગ્રી, ડીસામાં 41.6 ડિગ્રી, જૂનાગઢમાં 42.2 ડિગ્રી, પાટણમાં 41.6 ડિગ્રી અને રાજકોટમાં 42.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. હવામાન વિભાગ મુજબ પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે. થોડા દિવસ પહેલા દક્ષિણમાંથી પવન ફૂંકાવાના કારણે ભેજવાળા પવનથી તાપમાનમાં આંશિક રાહત થઈ હતી. જો કે, ઉત્તરી પશ્ચિમ પવનના કારણે સૂકા પવન આવતા ફરી તાપમાનમાં વધારો થયો છે.