Weather: અમદાવાદમાં રેડ એલર્ટ, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, 10 જિલ્લાઓમાં હીટવેવની આગાહી
અમદાવાદઃ હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં રેડ એલર્ટ આપ્યુ છે અને હીટવેવની આગાહી કરીને જણાવ્યુ છે કે શુક્રવારે અમદાવાદમાં કાળઝાળ ગરમી પડશે. તમને જણાવી દઈએ કે છેલ્લા ચાર દિવસથી અમદાવાદમાં પારો 42 ડિગ્રીની આસપાસ રહેવાના કારણે અત્યંત ભીષણ ગરમી પડી રહી છે. ગુરુવારે અમદાવાદનો પારો 45.2 ડિગ્રીએ પહોંચી ગયો હતો. વળી, સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો 46 ડિગ્રીએ પહોંચી ગયો હતો.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ રાજ્યમાં હીટવેવની અસર રહેવાના કારણે તાપમાનનો પારો વધશે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સૌરાષ્ટ્ર-કચ્છ, સાબરકાંઠા, પાટણ, ભાવનગર, બોટાદમાં હીટવેવની અસર વધુ રહેશે. કચ્છ, રાજકોટ અને ભાવનગરમાં તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રીની ઉપર પહોંચી ગયુ હતુ. ગુરુવારે અમદાવાદનુ તાપમાન સામાન્યથી 3 ડિગ્રી વધીને 45.2 ડિગ્રીએ પહોંચ્યુ હતુ. બપોરના સમયે તો પારો 47 ડિગ્રીએ પહોંચી ગયો હતો.
તાપમાન વધવાના કારણે ડિહાઈડ્રેશન, ઝાડા-ઉલટી, ચક્કર આવવાથી પડી જવાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો હતો. અમદાવાદમાં ગુરુવારે લઘુત્તમ તાપમાન 29.6 ડિગ્રી નોંધવામાં આવ્યુ હતુ. દર ત્રણ કલાકો પાંચ ડિગ્રી સુધીના તાપમાનમાં વધારો નોંધાયો હતો. ગાંધીનગરમાં પણ 46 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. રાજ્યના આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે લોકોએ ખાસ કરીને બપોરના સમયે ઘરની બહાર કામ વિના નીકળવુ જોઈએ નહિ. ઝાડના છાયડામાં બેસવુ કે પછી ઘરમાં પંખા, કુલર કે એસીમાં બેસવુ. શક્ય તેટલુ વધુ પાણી પીવ, લીંબુ શરબત, સોડા સહિતના ઠંડા પીણા વધુ પીવા. બાળકો, વૃદ્ધો, અશક્તો અને બિમાર લોકોએ તો ઘરની બહાર નીકળવુ જ નહિ. સુતરાઉ કપડા પહેરવા, માથા પર ટોપી કે રૂમાલ પહેરવો અને હાથ મોજા ખાસ પહેરવા.