
ગુજરાતમાં ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 1 જુલાઈથી લેવાશે, શિક્ષણમંત્રીની જાહેરાત
ગાંધીનગરઃ ગુજરાતમાં શિક્ષણમંત્રીએ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 1 જુલાઈથી લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ જૂની પદ્ધતિ મુજબ લેવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ પદે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.
તમને જણાવી દઈએ કે કોરોના સંક્રમણની હાલની પરિસ્થિતિને જોતા મહત્વપૂર્ણ ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીડિયાને સંબોધીને કહ્યુ કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા વિશે મુખ્યમંત્રી સાથે ચર્ચા થઈ ત્યારબાદ જ વર્તમાન પદ્ધતિથી જ બોર્ડની પરીક્ષા લેવાશે તેમ નક્કી થયુ છે. 1 જૂલાઈથી શરૂ થનાર પરીક્ષામાં 1 લાખ 40 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કોરોના ગાઈડલાઈન્સનુ સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ નિર્ણયને સ્વીકાર્યો છે. પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની પરીક્ષા 25 બાદ લેવામાં આવશે. ઘરની નજીક જ કેન્દ્ર આપવામાં આવે તેની વ્યવસ્થા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ જે 10મી મેથી 25 મે હતી તે મોકૂફ રાખી હતી. અને પુનઃ સમીક્ષા બાદ આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 1 જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની 1276 સરકારી, 5325 ગ્રાન્ટ ઈન એઈડ, 4331 સેલ્ફ ફાઈનાન્સ અને 45 સ્કૂલો મળીને કુલ 10,977 સ્કૂલોમાં ધોરણ 10ના નિયમિત વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે.