
PM મોદીએ 1,41,000 આવાસોના ખાતમુહૂર્ત અને ઇ-લોકાર્પણ કર્યા
ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 25 કરોડથી વધુના ખર્ચે નિર્માણ કરવામાં આવેલા 336 આવાસોનું આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડોદરા ખાતેથી ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ આ યોજના અંતર્ગત વાવોલ, સરગાસણ અને પેથાપુર ખાતે નિર્માણ પામનારા 2100 આવાસોનો ડ્રો કરવામાં આવ્યો હતો.
રાયસણના સ્વર્ણિમ સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલા સમારોહમાં ઉપસ્થિત સાસંદ હસમુખ પટેલે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ- 2024 સુધીમાં તમામ દેશવાસીઓનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. જે અંતર્ગત આજે ગુડા દ્વારા ત્રણેસોથી વધુ પરિવારને ગૃહ પ્રવેશ કરાવ્યો છે.
આજે સમગ્ર રાજયમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1 લાખ 41 હજાર આવાસોના ખાતમુહૂર્ત અને ઇ- લોકાર્પણ કરવામાં આવ્યા છે. તેમજ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને આદિજાતિ તાલુકા માટે પોષણ સુધા યોજનાનો પણ આરંભ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરના ધારાસભ્ય શંભુજી ઠાકોરે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારમાં કોઇ લાભાર્થીઓને ઘરના સ્વપ્ન દેખાડવામાં આવ્યા નથી, પરંતુ તેમના ઘરના ઘરના સ્વપ્નને સાકાર કરવામાં સહકાર આપ્યો છે. આજે ગાંધીનગરમાં 336 પરિવારના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. આગામી ટૂંક સમયમાં ગાંધીનગર જિલ્લાના અન્ય 2100 પરિવાર પોતાના ઘરમાં ગૃહ પ્રવેશ કરશે.
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષ મકવાણાએ જણાવ્યું હતું કે, આ સરકારના શાસનમાં જે કામનો આરંભ થાય છે, તે કામ પણ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું સુચારું આયોજન કરવામાં આવે છે, તેનું ઉત્તમ દષ્ટાંત આજથી દોઢ વર્ષ અગાઉ શરૂ કરવામાં આવેલા આ લોકાર્પણ થયેલા આવાસો છે. તેમણે ઘર મેળવનારા તમામ લાભાર્થીઓને ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થઇ ગયા બાદ પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને શિક્ષણ આપવા માટેની વાત પર પણ ભાર મૂક્યો હતો. તેમજ પરિવારના સુખ માટે વ્યસન મુક્ત થવા માટે પણ અનુરોધ કર્યો હતો.
ગુડા દ્વારા નવનિર્મિત કુડાસણ ખાતેના પ્રઘાનમંત્રી આવાસ યોજનાના ઇડબલ્યુએસ-2ના 336 આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયા બાદ રાયસણના સ્વર્ણિમ સાંસ્કૃતિક હોલ ખાતે યોજાયેલા સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મક રૂપે 10 લાભાર્થીઓને મકાનની ચાવી અર્પણ કરવામાં આવી હતી.